Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

વ્‍યક્‍તિ ૧૮ વર્ષની થશે એટલે આપોઆપ મતદાર યાદીમાં નામ ઉમેરાઈ જશે

સરકાર પાયાની સેવા મેળવવા માટે જન્‍મ-મળત્‍યુનું રજિસ્‍ટ્રેશન ફરજિયાત કરવા માટે સંસદમાં ખરડો લાવશે

નવી દિલ્‍હી, તા.૨૮: કેન્‍દ્ર સરકાર શિક્ષણ સંસ્‍થાઓમાં ઍડ્‍મિશનથી લઈને વોટર-લિસ્‍ટમાં નામ નોંધાવવા તેમ જ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારમાં નોકરીઓ, ડ્રાઇવિંગ લાઇસન્‍સ અને પાસપોર્ટ મેળવવા એમ જીવનની લગભગ દરેક મહત્ત્વની બાબત માટે બર્થ-સર્ટિફિકેટને ફરજિયાત દસ્‍તાવેજ બનાવવા પ્‍લાનિંગ કરી રહી છે. એ માટે રજિસ્‍ટ્રેશન ઑફ બર્થ ઍન્‍ડ ડેથ ઍક્‍ટ, ૧૯૬૯માં સુધારા કરવા માટે ખરડો લાવવામાં આવશે.

ઉપરાંત કોઈ માનવીય હસ્‍તક્ષેપ વિના રિયલ ટાઇમમાં કેન્‍દ્રીય સ્‍તરે સ્‍ટોર કરવામાં આવેલો ડેટા અપડેટ થશે. એટલે કે જો કોઈ વ્‍યક્‍તિ ૧૮ વર્ષની થઈ જશે તો તેનું નામ મતદારયાદીમાં આવી જશે અને જો કોઈનું મળત્‍યુ થશે તો મતદાર યાદીમાંથી ઑટોમૅટિકલી તેનું નામ બાકાત થઈ જશે.

આ પ્રસ્‍તાવિત ફેરફાર અનુસાર હૉસ્‍પિટલ્‍સ અને મેડિકલ ઇન્‍સ્‍ટિટયૂટ્‍સ માટે મરનારના પરિવારજન સિવાય સ્‍થાનિક રજિસ્‍ટ્રારને પણ મળત્‍યુનું કારણ જણાવતાં તમામ ડેથ-સર્ટિફિકેટની કૉપી પૂરી પાડવી ફરજિયાત રહેશે.

ઑલરેડી કાયદા હેઠળ જન્‍મ અને મળત્‍યુની નોંધણી ફરજિયાત છે, પરંતુ હવે સરકાર પાયાની સેવાઓ મેળવવા માટે રજિસ્‍ટ્રેશન ફરજિયાતનો નિયમ લાગુ કરવા ઇચ્‍છે છે.

આ બિલને ૭ ડિસેમ્‍બરથી શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવે એવી શકયતા છે. સજેશન્‍સ મેળવવા માટે લોકો સમક્ષ ગયા વર્ષે આ બિલને રજૂ કરવામાં આવ્‍યું હતું. રાજ્‍ય સરકારોએ એના પર અભિપ્રાય સૂચવ્‍યા છે અને જરૂરી ફેરફાર પણ કરવામાં આવ્‍યા છે.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે ‘જન્‍મ અને મળત્‍યુની નોંધણી ફરજિયાત કરતી જોગવાઈઓ ઑલરેડી છે, પરંતુ આ કાયદામાં સુધારો કરીને અનેક હેતુ માટે જન્‍મ અને મળત્‍યુ સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત કરવામાં આવ્‍યું છે. આ ડેટાબેઝને મતદારયાદી સાથે જોડવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા ઑનલાઇન થશે.

(3:39 pm IST)