Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ચૂંટણી નજીક આવતા જ ભાજપે હાર્ડકોર હિન્દુત્વની નીતિ અપનાવી

વડાપ્રધાન - ગૃહમંત્રીના છેલ્લા પ્રવચનો સૂચક : અગાઉનો રેકોર્ડ તોડવા ભાજપ કોઇ કસર રાખવા માંગતુ નથી

નવી દિલ્હી, તા.૨૮: ગુજરાતની ચૂંટણી આડે ફકત થોડા દિવસો જ રહ્યા છે ત્યારે હવે ભાજપાએ હાર્ડકોર હિંદુત્વની નીતિ અપનાવી છે. રવિવારે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને તેના જેવી જ વિચારધારાવાળા પક્ષો પર પોતાની મતબેંકને અસર ના થાય એટલા માટે આતંકવાદ પર મૌન જાળવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ૨૦૦૮નો મુંબઇ આતંકવાદી હુમલો, બાટલા હાઉસ એન્કાઉન્ટર, અમદાવાદ અને સુરત સીરીયલ બ્લાસ્ટનો મુદ્દો ઉભો કરીને તેમણે ખેડાની રેલીમાં તેમણે કહ્યું કે રાજકીય પક્ષો જયાં સુધી ટેકો આપતા રહેશે ભારતે આતંકવાદનો સામનો કરતા જ રહેવુ પડશે.

એ પહેલા કેન્દ્રિય ગૃહપ્રધાન અમિતભાઇ શાહે કોંગ્રેસ પર મતબેંકનું રાજકારણ કરવાનો અને કાશ્મીરમાં ૩૭૦ કલમ દુર કરવાનો, રામમંદિર અયોધ્યા અને સમાન સીવીલ કોડનો વિરોધ કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે એક જાહેર સભામાં ૨૦૦૨ના કોમી રમખાણો અને તે કરનારાઓને કેવા પાઠ ભણાવાયા તેની વાત કરી હતી. છેલ્લા થોડા દિવસોમાં ભાજપાની બદલાયેલી પ્રચાર નીતિ દર્શાવે છે કે તે પોતાનો પાછલો ૧૨૭ બેઠકનો રેકોર્ડ તોડવામાં કોઇ કસર છોડવા નથી માંગતી. જો કે ગુજરાતની બેઠકોના ૧૦ થી ૬૧ ટકા મુસ્લીમ મતો નક્કી કરશે કે ભાજપા આ રેકોર્ડ તોડી શકશે કે નહીં.

મુસ્લીમ વર્ચસ્વવાળી બેઠકોમાં અમદાવાદ શહેરની ખાડીયા જમાલપુર, દરીયાપુર - કાળુપુર, દાણીલીમડા, વેજલપુર અને બાપુનગર બેઠકો જયાં ૨૦ થી ૬૧ ટકા મુસ્લીમ મતદારો છે. આવી જ સ્થિતી સૌરાષ્ટ્રની વાંકાનેર, સોમનાથ, દ્વારકા અને ખંભાળીયા, કચ્છની અબડાસા, માંડવી અને ભુજ, ઉત્તર ગુજરાતની વડગામ અને સિધ્ધપુર, અમદાવાદ જીલ્લાની ધોળકા, પંચમહાલની ગોધરા, ભરૃચ જીલ્લાની ભરૃચ, વાગર અને જંબુસર, ખેડાની માતર, મહેમદાવાદ અને મહુધા, સુરતની લીંબાયત અને સુરત (પૂર્વ)ની બેઠકો પર છે.

સૌથી મોટો સવાલ એ છે કે આ વખતે મુસ્લિમો આ વખતે કોની તરફ ઢળશે. મુસ્લીમ મતોનું ધ્રુવીકરણ આપ, એઆઇ એમઆઇએમ કે કોંગ્રેસ તરફ થશે. જો કે કોંગ્રેસે આક્ષેપો કર્યા છે કે ભાજપા મુસ્લીમ તરફ થશે ? જો કે કોંગ્રેસે આક્ષેપો કર્યા છે કે ભાજપા મુસ્લીમ મતોમાં ભાગલા પાડવાના પ્રયાસો કરે છે.

એક ઉદાહરણ તરીકે જોવામાં આવે તો સુરત (પુર્વ) બેઠક પર ૧૪માંથી ૧૨ ઉમેદવારો મુસ્લીમ છે. લીંબાયતમાં ૪૪ ઉમેદવારો ઉભા છે જેમાં ૩૬ મુસ્લીમો છે. અમદાવાદમાં બાપુનગરમાં ૨૯માંથી ૯ મુસ્લીમ ઉમેદવારો છે. જમાલપુર - ખાડીયામાં ૮માંથી ૪ અને દરીયાપુરમાં ૭માંથી ૪ ઉમેદવારો મુસ્લીમ છે. ૨૦૧૭માં આ ૫૩ મુસ્લીમ વર્ચસ્વવાળી બેઠકોમાંથી ભાજપાને ૨૮ અને કોંગ્રેસને ૨૫ બેઠકો મળી હતી. આ વખતે ભાજપાનો ગેમ પ્લાન મુસ્લીમ મતોના ભાગલા પડાવીને હિંદુ મતો જાળવી રાખવાનો છે.(

(1:49 pm IST)