Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ઓસ્‍ટ્રેલિયાના બીચ પર ૨૫૦૦ લોકોએ કપડા વગર કરાવ્‍યું ફોટોશૂટ

આ ફોટોશૂટનો ઉદ્દેશ્‍ય સ્‍કિન કેન્‍સર વિશે લોકોને જાગરૂત કરવાનો હતોઃ અમેરિકી ફોટોગ્રાફર સ્‍પેન્‍સર ટયૂનિકે તેમની તસ્‍વીરો ખેંચી જે નેકેટ ફોટોશૂટ માટે જાણીતા છે

સીડની,તા. ૨૮ : ઓસ્‍ટ્રેલિયાના બોંડી બીચ પર શનિવારે આશરે ૨૫૦૦ લોકો કપડા વગર ભેગા થયા હતા. આ બધા લોકો એક ફોટો શૂટમાં ભાગ લઈ રહ્યાં હતા, જેનો ઉદ્દેશ્‍ય સ્‍કિન કેન્‍સર વિશે જાગરૂકતા ફેલાવવાનો હતો. આ લોકો અમેરિકી ફોટોગ્રાફર સ્‍પેન્‍સર ટ્‍યૂનિકના ફોટોશૂટમાં ભાગ લેવા માટે ભેગા થયા હતા. ટ્‍યૂનિકને દુનિયામાં અલગ-અલગ જગ્‍યાઓ પર નેકેડ ફોટોશૂટ માટે ઓળખવામાં આવે છે. ન્‍યૂઝ એજન્‍સી રોયટર્સ પ્રમાણે ટ્‍યૂનિકે સિડનીમાં સમુદ્ર કિનારા પર કર્યું કે અમારી પાસે સ્‍કિન કેન્‍સરને લઈને જાગરૂકતા ફેલાવવાની એક તક છે. હું અહીં આવી તસવીરો ખેંચી સન્‍માનિત અનુભવી રહ્યો છું.

સીએનએનના એક સમાચાર પ્રમાણે ફોટોશૂટમાં ભાગ લેનાર રોબિન લિંડનરે કહ્યું કે તે તેમાં ભાગ લેવાને લઈને નર્વસ હતી. તેણે કહ્યું કે હું પાછલી રાત્રે ડરેલી હતી. પરંતુ આ ખુબ સારૂ હતું, બધા લોકો ખુબ સારા હતા અને આ ખરેખર રસપ્રદ હતું. આ ટ્‍યૂનિકનો ઓસ્‍ટ્રેલિયામાં ચોથો પ્રોજેક્‍ટ છે, જે ૨૦૧૦થી અહીં કામ કરી રહ્યો છે. ત્‍યારે તેણે સિડનીના પ્રખ્‍યાત ઓપેરા હાઉસમાં આશરે ૫૫૦૦ લોકોને ભેગા કર્યાં હતા.

ટ્‍યૂનિકની સ્‍કિન ચેક્‍સ ચેમ્‍પિયન્‍સ ચેરિટીની સાથે પાર્ટનરશિપ છે, જે ફ્રી એજયુકેશનલ સ્‍કિન ચેક્‍સ ક્‍લિનિક ચલાવે છે. એક નિવેદનમાં ટ્‍યૂનિકે કહ્યું કે સ્‍કિન ચેક્‍સને લઈને જાગરૂકતા ફેલાવનાર એક આર્ટ મિશનનો ભાગ બનવું મારા માટે સન્‍માનની વાત હતી. ટ્‍યૂનિક દુનિયાભરમાં જાહેર સ્‍થળો પર આશરે ૧૦૦ લાર્જ-સ્‍કેલ ન્‍યૂડ ફોટો પાડી ચુક્‍યો છે. મ્‍યૂનિખથી મેક્‍સિકો સિટી સુધી તેના ન્‍યૂડ ફોટોશૂટમાં ૧૮,૦૦૦ લોકો ભાગ લઈ ચુક્‍યા છે.

મોટા પાયા પર લોકોની ન્‍યૂડ તસવીરો લેવી સરળ નથી. જયારે એક જગ્‍યાએ ભેગા થઈને હજારો લોકો પોતાના કપડા ઉતારે છે તો શહેરના અધિકારી તેમાં દખલ આપે છે. તેના કારણે ઘણીવાર ટ્‍યૂનિકની ધરપકડ પણ થઈ ચુકી છે. ૨૦૧૮માં એક ઓસ્‍ટ્રેલિયન સુપરમાર્કેટ ચેને ટ્‍યૂનિકને પોતાના એક મેલબોર્ન સ્‍ટોરના પાર્કિંગમાં શૂટ કરવાથી પ્રતિબંધિત કરી દીધો હતો. પરંતુ બાદમાં તેના નિર્ણયને પરત લીધો હતો.

(10:27 am IST)