Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

દેશમાં કોરોના ટેસ્ટિંગનું સ્તર 10 લાખની વસ્તીએ 1 લાખ ટેસ્ટ પર પહોંચ્યું :દિલ્હી મોખરે : ગુજરાત છેલ્લેથી બીજાક્રમે

23 રાજ્યોમાં ટેસ્ટ રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ :13 રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓછું

નવી દિલ્હી : ભારતમાં કોરોના ટેસ્ટિંગનું સ્તર પ્રતિ 10 લાખની વસ્તીએ 1 લાખ ટેસ્ટ પર પહોંચી ગયું છે. સરળ શબ્દોમાં કહીએ તો દેશની 10 ટકા વસ્તીની કોરોના ટેસ્ટ કરી લેવામાં આવ્યાં છે.

મહામારીમાં દેશમાં અત્યાર સુધીમાં કુલ 13,82,20,354 (13.82 કરોડ) કોરોના ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે. 1,00,159.7 ટેસ્ટ 10 લાખ વસ્તી દીઠ કરવામાં આવી રહ્યાં છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, પ્રતિ 10 લાખ વસ્તીએ ટેસ્ટ કરવામાં સૌથી મોખરે દિલ્હી છે, જ્યાર સૌથી ઓછું ટેસ્ટિંગ નાગાલેન્ડમાં થયું છે. દિલ્હી દર 10 લાખ વસ્તી પર ટેસ્ટની સંખ્યામાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.

પ્રતિ દસ લાખની વસ્તીએ દિલ્હી 3,30,201 ટેસ્ટની સાથે સૌથી વધુ ટેસ્ટ કરનારા પાંચ રાજ્યોમાં પ્રથમ ક્રમે છે, એટલે કે રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધુ પરીક્ષણ કરનાર રાજ્ય. બીજા સ્થાને લદાખ (2,41,355), ત્રીજા પર ગોવા (2,37,626), ચોથા સ્થાને આંદામાન નિકોબાર (2,02,033) અને પાંચમા સ્થાને આંધ્રપ્રદેશ (1,77,627) છે.

 

સૌથી વધુ ટેસ્ટ કરનારા રાજ્યોની યાદીમાં જો ગુજરાતનો ક્રમ જોઈએ તો સૌથી નીચે કહી શકાય એમ છે. ગુજરાતમાં 10 લાખની વસ્તીએ માત્ર 1,04,138 ટેસ્ટ થઈ રહ્યાં છે અને તેનાથી નીચે અને છેલ્લે માત્ર પંજાબ 1,03,047 ટેસ્ટ સાથે છે. એટલે કહી શકાય છે ગુજરાત આ યાદીમાં છેલ્લેથી બીજા ક્રમે છે.

દેશમાં કુલ 23 રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો છે જ્યાં 10 લાખ વસ્તી દીઠ પરીક્ષણોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે, જ્યારે એવા 13 રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો છે જ્યાં મિલિયન વસ્તી દીઠ ટેસ્ટની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશથી ઓછી છે.

(10:38 pm IST)