Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત ચૂંટણી : જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ

કુલ 1427 ઉમેદવારો મેદાનમાં:7 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

શ્રીનગર : જમ્મુ -કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં શનિવારે જિલ્લા વિકાસ પરિષદ (DDC) ચૂંટણીના પ્રથમ તબક્કા અને પંચાયત પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે.

આ ચૂંટણીમાં કુલ 1427 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે 7 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર કેકે શર્માએ જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં વ્યવસ્થીત મતદાન થાય તે માટે 2146 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીર ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ કાઉન્સિલ ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ગયું છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં 280 મત વિસ્તારોમાંથી 3-3 DDC ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન કરવા જઈ રહ્યાં છે. આ મતદાન બપોરે 2 વાગ્યે સમાપ્ત થઈ જશે

 

DDC માટે 8 તબક્કામાં યોજાનારી ચૂંટણી  19 ડિસેમ્બરે સમાપ્ત થશે અને મતગણકરી 22 ડિસેમ્બરે થશે. આ સાથે જ અર્બન લોકલ બોડી (ULB)ની ખાલી પડેલી 234 બેઠકો પર પેટાચૂંટણી પણ એક સાથે જ આયોજિત કરવામાં આવી રહી છે.

આર્ટીકલ 370 હટ્યા બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી ચૂંટણીમાં સૌથી અલગ વાત છે કે, નેશનલ કૉન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP), પીપલ્સ કૉન્ફરન્સ અને સીપીઆઈ(એમ) સહિત અનેક પાર્ટીઓએ એકજૂટ થઈને ગુપકર ગઠબંધનની જાહેરાત કરી છે. નેશનલ પાર્ટી ભાજપ અને કોંગ્રેસ પણ ચૂંટણીના મેદાનમાં જ છે.

અત્રે ઉલ્લેખનીય  કેન્દ્ર શાસિત પ્રદેશની DDC ચૂંટણી માટે કુલ 280 મત વિસ્તારો છે. પ્રથમ તબક્કામાં 43 વિસ્તારોમાં સવારે 7 થી 3 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણી કમિશનરે કોરોના મહામારીને જોતા લોકોને અપીલ કરી છે કે, તમામ લોકો મતદાન મથક પર માસ્ક ફરજિયાત પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરે.

(9:51 am IST)