Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

પ સભ્યના બળવાથી બસપા માટે કપરાં ચઢાણ : ભાજપને ફાયદો

રાજ્યસભાની ચૂંટણીને આડે માત્ર બે દિવસ બાકી : બસપાના ઉમેદવાર રામજી ગૌતમનો ભારે વિરોધ કરાયો

લખનૌ, તા. ૨૮ : ઉત્તર પ્રદેશમાં આગામી મહિનાની શરૂઆતમાં જ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી પહેલા જ બહુજન સમાજ પાર્ટીને જોરદાર ઝાટકો લાગ્યો છે. બુધવારે બસપાના ઉમેદવાર રામજી ગૌતમના દસ પ્રસ્તાવકોમાંથી ૫ એ પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે. તેવામાં હવે રામજી ગૌતમની ઉમેદવારી પર સંકટ ઉભુ થઈ ગયું છે. આ પાંચેય પ્રસ્તાવકોએ બુધવારે સવારે જ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી, ત્યાર બાદ હવે બસપામાં બગાવતનો બુંગિયો ફૂંકાવવા લાગ્યો છે. બસપાના ૫ ધારાસભ્યોએ આજે સવારે અચાનક વિધાનસભામાં પોતાના પ્રસ્તાવ પાછા ખેંચવા પહોંચી જતા જ ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. રાજ્યસભાના ઉમેદવાર રામજી ગૌતમને પડતા મુકવામાં આવી શકે છે. સાથે જ હવે રાજ્યસભા ચૂંટણી નિર્વિરોધ સંપન્ન થઈ શકે છે. બસપાના ધારાસભ્ય અસલમ રાઈની, હકીમ લાલ બિંદે, હરિ ગોવિંદ ભાર્ગવ, મુસ્તફા સિદ્દીકી અને અસલમ અલીએ બળવો કર્યો હતો. તેમણે બસપાના ઉમેદવાર રામજી ગૌતમનો વિરોધ કર્યો હતો. તેમણે પ્રકાશ બજાજ માટે ખરીદ-વેચાણનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

હવે ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી વધુ રસસ્પદ બની છે. મતદાન પહેલા જ સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે કોંગ્રેસ-બીએસપીના ધારાસભ્યોને લંચ ઉપર બોલાવ્યા છે. ઉમેદવારોના સમર્થન મેળવવામાં સૌથી વધારે મુશ્કેલી ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને પડી રહી છે. જો કે, તેના ઉપર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ભીમરાવ આંબેડકરને પણ જીતાડવાની જવાબદારી છે. ભાજપે નવ ઉમેદવારો ઉતારીને વિપક્ષી દળોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જેને લઈને ચૂંટણીમાં ક્રોસ વોટિંગની પણ શક્યતાઓ સેવાઈ રહી છે.

(9:01 pm IST)