Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

૭૦૦૦ કરોડ ચુકવો નહિ તો ખેલ ખતમ કરી દેશું: ટાવર કંપનીની વોડાફોન - આઇડીયાને ધમકી

૨૫.૫ કરોડ ગ્રાહકોને મુશ્‍કેલીની સંભાવના : ઇન્‍ડસ ટાવર વોડાફોન- આઇડીયા પાસે ૭૦૦૦ કરોડ માંગે છે : નવે.સુધીની મુદત

નવી દિલ્‍હી, તા.૨૮: ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાના ૨૫.૫ કરોડ ગ્રાહકોની મુશ્‍કેલીઓ વધી શકે છે. કંપનીનું નેટવર્ક નવેમ્‍બરથી બંધ થઈ શકે છે. વોડાફોન આઈડિયા ઈન્‍ડસ ટાવર્સનું લગભગ રૂ.૭,૦૦૦ કરોડનું દેવું છે. ઇન્‍ડસ ટાવર્સે ધમકી આપી છે કે જો કંપની વહેલી તકે તેના લેણાંની ચુકવણી નહીં કરે તો નવેમ્‍બરથી તેને ટાવર્સમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. એટલે કે વોડાફોન આઈડિયાના ગ્રાહકો માટે નેટવર્ક બંધ થઈ જશે.

ટાવર કંપની ઈન્‍ડસ ટાવર્સે સોમવારે વોડાફોન આઈડિયાને પત્ર લખીને આ ચેતવણી આપી છે. સોમવારે જ ઇન્‍ડસ ટાવર્સની બોર્ડ મિટિંગ મળી હતી. જેમાં કંપનીની નાણાકીય સ્‍થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઇન્‍ડસ ટાવર્સ પર વોડાફોન આઇડિયાના લગભગ રૂ. ૭,૦૦૦ કરોડનું દેવું છે. રિલાયન્‍સ જિયો અને એરટેલ પછી વોડાફોન આઈડિયા દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. પરંતુ કંપનીની નાણાકીય સ્‍થિતિ સારી નથી અને તે ભારે દેવાનો સામનો કરી રહી છે.

Airtel અને Reliance Jio દિવાળી પર 5G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ વોડાફોન આઈડિયાએ હજુ સુધી આવી કોઈ જાહેરાત કરી નથી. તેનું કારણ એ છે કે કંપનીને 5G સાધનો અને ટાવર કંપનીઓને સપ્‍લાય કરતી કંપનીઓ સાથે ડીલ નક્કી કરવામાં મુશ્‍કેલી પડી રહી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ કંપનીઓ વોડાફોન આઈડિયાને પાછલા લેણાંની ચુકવણી કરવા અને નવા કોન્‍ટ્રાક્‍ટ માટે એડવાન્‍સ પેમેન્‍ટ કરવા માટે માંગી રહી છે. વોડાફોન આઈડિયા પર આ કંપનીઓના રૂ. ૧૩,૦૦૦ કરોડનું દેવું છે. ફિનિશ કંપની નોકિયા પર ૩,૦૦૦ કરોડ રૂપિયા અને સ્‍વીડિશ કંપની એરિક્‍સન પર ૧,૦૦૦ કરોડ રૂપિયા બાકી છે.

વોડાફોન આઈડિયા એ યુકે સ્‍થિત કંપની વોડાફોન ગ્રુપ પીએલસી અને આદિત્‍ય બિરલા ગ્રુપ (એબીજી) વચ્‍ચેનું સંયુક્‍ત સાહસ છે. કંપનીએ ટાવર કંપની ઇન્‍ડસ ટાવર્સના રૂ.૭,૦૦૦ કરોડ અને અમેરિકન ટાવર કંપની (ATC)ના રૂ. ૨,૦૦૦ કરોડ દેવાના બાકી છે. વોડાફોન આઈડિયા ઘણા ક્‍વાર્ટરથી ખોટ સહન કરી રહી છે. આ જ કારણ છે કે કંપનીની ૫જી સર્વિસ લોન્‍ચ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. કંપની ડેટ અને ઈક્‍વિટી દ્વારા ૨૦ હજાર કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તે અત્‍યાર સુધી કોઈ ડીલ કરી શકી નથી.

(11:48 am IST)