Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

રવિ કિશનને વેપારીએ લગાવ્‍યો રૂા. ૩.૨૫ કરોડનો ચૂનો

છેતરાયા હોવાનું ભાન થતા નોંધાવી પોલીસ ફરિયાદ

લખનૌ તા. ૨૮ : ઉત્તર પ્રદેશના ગોરખપુરના ભાજપના સાંસદ રવિ કિશને મુંબઈના એક વેપારી વિરૂદ્ધ રૂપિયા ૩.૨૫ કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. સાંસદના જનસંપર્ક અધિકારી પવન દુબેએ જણાવ્‍યું કે મુંબઈના એક બિઝનેસમેને સાંસદ રવિ કિશન સાથે ૩.૨૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ અંગે તેમણે કેન્‍ટ પોલીસ સ્‍ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે વેપારી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસમાં દાખલ કરાયેલા રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૧૨માં રવિ કિશને પૂર્વ મુંબઈમાં રહેતા જૈન જિતેન્‍દ્ર રમેશ નામના વ્‍યક્‍તિને ૩.૨૫ કરોડ રૂપિયા આપ્‍યા હતા.

જયારે તેઓએ જૈન જિતેન્‍દ્રને પૈસા પરત કરવાનું કહ્યું ત્‍યારે તેણે ૩૪ લાખના ૧૨ ચેક આપ્‍યા. આ ચેક વિલે પાર્લે, પીએમ રોડ, મુંબઈ ખાતે સ્‍થિત ટીજેએચડી સહકારી બેંક લિમિટેડના છે. જયારે સાંસદે ૭ ડિસેમ્‍બર, ૨૦૨૧ના રોજ સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાની ગોરખપુર સ્‍થિત બેંક રોડ શાખામાં ૩૪ લાખનો ચેક જમા કરાવ્‍યો ત્‍યારે ચેક બાઉન્‍સ થયો. સતત પૈસાની માંગણી કરવા છતાં વેપારીએ કોઈ સંતોષકારક જવાબ ન આપતાં આખરે સાંસદ પોતે છેતરાયાની જાણ થતા, પોલીસમાં ફરિયાદ કરી છે.

ચેક બાઉન્‍સ થયા બાદ રવિ કિશન તેના પૈસા પાછા માંગી રહ્યો છે, પરંતુ વેપારી ઉછીના લીધેલા નાણા પરત આપવા તૈયાર નથી. જેના કારણે રવિ કિશન માનસિક રીતે પરેશાન છે. આર્થિક ગુનાનો ભોગ બન્‍યા છે. ઉચ્‍ચ પોલીસ અધિકારીઓની સૂચના પર કેન્‍ટ પોલીસ સ્‍ટેશને મુંબઈના વેપારી વિરૂદ્ધ પૈસા પડાવી લેવાનો કેસ નોંધ્‍યો છે. કેન્‍ટ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર શશિભૂષણ રાયે જણાવ્‍યું હતું કે કેસ નોંધવામાં આવી રહ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. તપાસ અને પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પહેલા સાંસદ કેન્‍ટ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના સિંઘરિયામાં રહેતા હતા, પરંતુ તાજેતરમાં તેઓ પ્‍લેનેટોરિયમ લેક વ્‍યૂ કોલોની સ્‍થિત ઘરમાં શિફટ થયા છે.

(10:40 am IST)