Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

કાઉન પ્રિન્‍સ મુહમ્‍મદ બિન સલમાન હવે નવા વડાપ્રધાન બનશે

સાઉદી અરેબિયાનું નવુ શાહી ફરમાન : આ પહેલા તેઓ સુલતાન સલમાનની નેજા હેઠળ : નાયબ વડાપ્રધાન અને રક્ષા મંત્રી તરીકે કામ કરી ચુક્‍યા છે

રિયાધ તા. ૨૮ : સાઉદી અરેબિયાના શક્‍તિશાળી ક્રાઉન પ્રિન્‍સે ગઈકાલ મંગળવારે રાત્રે જાહેર કરવામાં આવેલા મોટા ફેરફારમાં રાજા દ્વારા પરંપરાગત રીતે વડા પ્રધાન તરીકે નામાંકિત કરવામાં આવ્‍યા છે. સુલતાન સલમાન બિન અબ્‍દુલ અઝીઝ અલ સઉદે ગઈકાલે એક શાહી ફરમાન જાહેર કરીને ક્રાઉન પ્રિન્‍સ મોહમ્‍મદ બિન સલમાનને દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્‍ત કર્યા હતા. જયારે શાહી આદેશમાં વિદેશ અને ઉર્જા સહિત અનેક મંત્રાલયોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી.

ક્રાઉન પ્રિન્‍સ મોહમ્‍મદ બિન સલમાન અથવા MBS, જેઓ ઘણા વર્ષોથી દેશના વાસ્‍તવિક શાસક છે, અગાઉ તેમણે સુલતાન સલમાનની હેઠળ નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન તરીકે સેવા આપી હતી. હવે તેમના નાના ભાઈ ખાલિદ બિન સલમાનને નવા સંરક્ષણ પ્રધાન તરીકે લાવવામાં આવ્‍યા છે, જે અગાઉ નાયબ સંરક્ષણ પ્રધાન હતા.

શાહી ફરમાન મુજબ સુલતાનના બીજા પુત્ર પ્રિન્‍સ ખાલિદ બિન સલમાનને નવા સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્‍યા છે. નવા મંત્રીમંડળમાં કરાયેલ ફેરફાર મુજબ, યુસુફ બિન અબ્‍દુલ્લા બિન મોહમ્‍મદ અલ-બનયાનને નવા શિક્ષણ મંત્રી તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. સત્તાવાર સાઉદી પ્રેસ એજન્‍સી દ્વારા પ્રકાશિત સુલતાન સલમાન દ્વારા બહાર પાડવામાં આવેલા શાહી ફરમાન અનુસાર, આંતરિક, વિદેશ અને ઊર્જા સહિત અન્‍ય મહત્‍વપૂર્ણ મંત્રાલયોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યા નથી.

નવા આદેશ હેઠળ જે મંત્રીઓના હોદ્દા ફેરબદલ કરવામાં આવ્‍યા નથી તેમાં ઉર્જા મંત્રી પ્રિન્‍સ અબ્‍દુલાઝીઝ બિન સલમાન, આંતરિક મંત્રી પ્રિન્‍સ અબ્‍દુલાઝીઝ બિન સાઉદ બિન નાયફ બિન અબ્‍દુલાઝીઝ, વિદેશ મંત્રી પ્રિન્‍સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ, રોકાણ મંત્રી ખાલેદ અલ-ફલીહ અને નાણા મંત્રી મોહમ્‍મદ અલ જદાનંદનો સમાવેશ થાય છે.

પ્રિન્‍સ મોહમ્‍મદ, જે ગયા મહિને ૩૭ વર્ષના થયા હતો, તેઓ ૨૦૧૭ થી તેમના પિતાના સુલતાન તરીકે ઉત્તરાધિકારી બનવાની લાઇનમાં છે. તેઓ ૨૦૧૫માં દેશના સંરક્ષણ પ્રધાન બન્‍યા હતા. સાઉદી અરેબિયા લાંબા સમયથી ૮૬ વર્ષીય સુલતાન સલમાનના સ્‍વાસ્‍થ્‍ય અંગે અટકળોનો અંત લાવવા માંગે છે, જે ૨૦૧૫ થી વિશ્વના ટોચના તેલ નિકાસકાર પર શાસન કરી રહ્યા છે. ૨૦૧૭ માં, સાઉદી અરેબિયાએ એવા અહેવાલો અને વધતી અટકળોને ફગાવી દીધી હતી કે સુલતાન પ્રિન્‍સ મોહમ્‍મદ માટે તેની ગાદી છોડવાની યોજના બનાવી રહ્યા હતા.

(10:39 am IST)