Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

વડાપધાન નરેન્દ્રભાઈ મોદી પહોંચ્યા UAE :રાષ્ટ્રપતિ શેખ ખલીફાના નિધન પર વ્યક્ત કરશે શોક

પીએમ મોદી અબુ ધાબી પહોંચતા UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને તેમનું સ્વાગત કર્યું

વડાપ્રધાન મોદી જર્મનીની બે દિવસની મુલાકાત બાદ હવે સંયુક્ત આરબ અમીરાત પહોંચી ગયા છે. પીએમ મોદી ખાડી દેશમાં UAEના પૂર્વ  રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના  નિધન પર શોક વ્યક્ત કરવા માટે પહોંચ્યા છે. નાહયાનનું લાંબી બીમારી બાદ 13 મેના રોજ અવસાન થયું હતું. તેઓ 73 વર્ષના હતા. નાહયાન 2004થી સત્તામાં હતા.

વડાપ્રધાન મોદી મંગળવારે અબુ ધાબી પહોંચ્યા હતા, જ્યાં UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ શેખ પણ પીએમ મોદીને ગળે લગાવતા જોવા મળ્યા હતા. અબુધાબી પહોંચ્યા બાદ પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિએ એક બેઠક કરી. પીએમ મોદીએ શેખ ખલીફાના નિધન પર શોક વ્યક્ત કર્યો, તેમને એક મહાન રાજનેતા અને દૂરંદેશી નેતા તરીકે કહ્યા, જેમના નેતૃત્વમાં બંને દેશો વચ્ચેના સંબંધો સમૃદ્ધ થયા. શેખ ખલીફાના નિધન બાદ ભારતે એક દિવસના રાજ્ય શોકની પણ જાહેરાત કરી હતી.

વડાપ્રધાન જર્મનીમાં G-7 સમિટમાં ભાગ લીધા બાદ તેઓ અહીં પહોંચ્યા છે. પીએમ મોદી જર્મનીમાં સમિટ દરમિયાન દુનિયાના ઘણા ટોચના નેતાઓને મળ્યા હતા અને વૈશ્વિક કલ્યાણ અને સમૃદ્ધિને આગળ વધારવાના ઉદ્દેશથી અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ પહેલા વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘પીએમ G-7 સમિટમાં ભાગ લેવા માટે જર્મનીની તેમની યાત્રા પૂરી કરે છે. આ દરમિયાન તેમણે વૈશ્વિક પડકારોના સ્થાયી સમાધાન પર બે દિવસ સુધી ઉપયોગી વાતચીત કરી. વડાપ્રધાન મોદી હવે અબુધાબી જવા રવાના થશે, જ્યાં તેઓ થોડો સમય રોકાશે. જે બાદ તે ભારત પહોંચશે.

PM મોદીએ સોમવારે G-7 સમિટના સત્રમાં હરિત વિકાસ, સ્વચ્છ ઉર્જા, સ્થાયી જીવનશૈલી અને વૈશ્વિક સુખાકારી તરફ ભારતના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. મોદીએ જર્મનીની બે દિવસીય મુલાકાત દરમિયાન બ્રિટન, જાપાન અને ઈટાલીના તેમના સમકક્ષોને પણ મળ્યા હતા અને તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.

(9:49 pm IST)