Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

શેરમાર્કેટનું તળિયું આવી ગયુઃ ૬ મહિનામાં સેન્‍સેક્‍સ ૬૧,૦૦૦ થશે ?

મુંબઇ, તા.૨૮: ભારતીય બજાર ઘણા સમયથી માર ખાય છે પરંતુ હવે બજારનું તળિયું આવી ગયું છે તેમ એનાલિસ્‍ટ્‍સનું માનવું છે. હાલમાં સેન્‍સેક્‍સ ૫૩,૦૦૦ની આસપાસ છે, પરંતુ લગભગ છ મહિનામાં તે વધીને ૬૧,૦૦૦ થઈ શકે તેમ નિષ્‍ણાતોનું કહેવું છે. એક ડઝનથી વધારે બ્રોકરેજિસ પર કરવામાં આવેલા સરવામાં લગભગ ૬૦ ટકાએ કહ્યું કે બજાર હવે નીચે નહીં જાય અને તેમાં બાઉન્‍સ આવશે.

નિષ્‍ણાતો માને છે કે બજારનું તળિયું આવી ગયું છે અથવા તો તળિયાની બહુ નજીક છે. અમેરિકન ઈકોનોમી અને વ્‍યાજદરની અનિશ્‍ચિતતાના કારણે બહુ ઓછા બ્રોકરેજ ઈન્‍ડેક્‍સ માટે ટાર્ગેટ આપે છે પરંતુ ડિસેમ્‍બર સુધીમાં સેન્‍સેક્‍સ ૬૧,૦૦૦ અને નિફ્‌ટી ૧૮,૦૦૦ને પાર કરી જાય તેવી શકયતા છે. મોટા ભાગના એનાલિસ્‍ટના મતે આગામી છ મહિનામાં સેન્‍સેક્‍સ માટે ૫૭,૦૦૦ અને નિફ્‌ટી૫૦ માટે ૧૫,૦૦૦ એક મજબૂત સપોર્ટ રહેશે.

એક્‍સિસ સિકયોરિટીઝના પોર્ટફોલિયો મેનેજર નિશિત માસ્‍ટર જણાવે છે કે સપ્‍ટેમ્‍બર પછી બજારમાં રિકવરી આવશે. વ્‍યાજદરમાં વધારો અને ચુસ્‍ત લિક્‍વિડિટીની સ્‍થિતિને બજાર પ્રાઈસ ઈન કરી લે ત્‍યાર પછી તેમાં તેજી આવશે. તેઓ માને છે કે ડિસેમ્‍બર સુધીમાં નિફ્‌ટી ૧૮,૦૦૦ સુધી પહોંચી જશે.

આનંદ રાઠી શેર્સ એન્‍ડ સ્‍ટોક બ્રોકરના CEO, ઈન્‍વેસ્‍ટમેન્‍ટ સર્વિસ, રૂપ ભુતરા માને છે કે કંપનીઓના ર્અનિંગ અને ઈકોનોમિક ડેટાના આધારે બજાર ચાલે છે. છેલ્લા કેટલાક મહિનાથી બજારમાં નરમાઈનું કારણ પ્રતિકુળ ઈકોનોમિક સ્‍થિતિ અને ગ્‍લોબલ અનિશ્‍ચિતતા છે.

ICICI સિકયોરિટીઝના રિસર્ચ હેડ પંકજ પાંડે કહે છે કે આગામી ૧૨થી ૧૮ મહિનામાં નિફ્‌ટી ૧૮૭૦૦ થઈ શકે છે. નજીકના ગાળામાં બજારમાં વોલેટિલિટી હજુ વધશે. સ્‍વસ્‍તિક ઈન્‍વેસ્‍ટમાર્ટના પુનિત પટનીના મતે તેઓ ચાલુ વર્ષના સેકન્‍ડ હાફ માટે પોઝિટિવ છે. અપસાઈડમાં નિફ્‌ટી ૧૭૫૦૦થી ૧૮૦૦૦ થશે જ્‍યારે સેન્‍સેક્‍સનો સ્‍તર ૬૦,૦૦૦થી ૬૧,૦૦૦ વચ્‍ચે જોવા મળશે.

જોકે, કેટલાક એક્‍સપર્ટના મતે બજાર વધવાના હજુ સંકેત દેખાતા નથી. વેન્‍ચુરા સિકયોરિટીઝના રિસર્ચ હેડ વિનિત બોલિંજકર કહે છે કે વર્ષના અંતે માર્કેટ કયાં હશે તેની આગાહી કરવી નિરર્થક છે. જોકે, હજુ બજારમાં ૧૦ ટકા જેટલો ઘટાડો થઈ શકે છે. રેલિગેર બ્રોકિંગ પણ માને છે કે કંપનીઓના ર્અનિંગમાં ધીમી ગતિએ વધારો થશે પણ લિક્‍વિડિટી ઘટવાના કારણે માર્કેટ હજુ પ્રેશર હેઠળ રહેશે.

(3:55 pm IST)