Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

અમેરિકાનાં મિસૂરીમાં ભયાનક ટ્રેન અકસ્‍માત અનેકનાં મોતની આશંકા

ટ્રેનમાં ૨૪૩ પેસેન્‍જર્સ અને ૧૨ ક્રૂ મેમ્‍બર્સ સવાર હતા ડમ્‍પર સાથે અથડાયા બાદ ટ્રેન ઉથલી પડી

ન્‍યૂયોર્ક તા.૨૮  અમેરિકાના મિસૂરીમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. મિસોરીમાં સોમવારે એક ડમ્‍પ ટ્રક સાથે અથડાયા બાદ એક ટ્રેન પાટા પરથી ઉતરી જતાં અનેક લોકોના મોત થયા છે. જ્‍યારે આ ઘટનામાં ઓછામાં ઓછા ૫૦ લોકો ઘાયલ થયા હતા. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

આ અંગે સ્‍થાનિક મીડિયા રિપોર્ટના જણાવ્‍યા અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે, ૨૭ જૂને બપોરે ૧૨ ૪૨ વાગ્‍યે, લોસ એન્‍જલસથી શિકાગો જતી BNSF ટ્રેક પર પૂર્વ તરફ જઈ રહેલી સાઉથવેસ્‍ટ ચીફ ટ્રેન એક ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે ટ્રેનના ૮ બોગી અને ૨ એન્‍જિન પાટા પરથી ઉતરી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં લગભગ ૨૪૩ મુસાફરો અને ૧૨ ક્રૂ મેમ્‍બર સવાર હતા. પ્રારંભિક અહેવાલોના પ્રમાણે ૧૨ ક્રૂ સભ્‍યો ઘાયલ થયા છે. આ  ઘટના પછી, કંપનીનું કહેવું છે કે તેમના સ્‍થાનિક અધિકારીઓ મુસાફરોની મદદ કરી રહ્યા છે અને તેમની બચાવદળની ટીમને મદદ કરવા માટે રવાના કરી દેવાઈ છે.

કંપનીનું કહેવું છે કે તે તેના મુસાફરો અને તેના કર્મચારીઓની મદદ માટે ઘટનાસ્‍થળે ઈમરજન્‍સી કર્મચારીઓને તૈનાત કરી રહી છે. હાલમાં, કંપનીએ જે લોકો આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તેમના પરિવાર વિશે માહિતી મેળવવા માંગતા હોય તેમના માટે હેલ્‍પલાઇનની વ્‍યવસ્‍થા કરી છે.

(11:33 am IST)