Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝની હત્‍યા કરાવી ભાજપના સાંસદનું વિવાદાસ્‍પદ નિવેદન !

જયપુર તા. ૨૮ : રાજસ્‍થાનના ઝુંઝુનૂ જિલ્લાથી ભાજપના સાંસદ નરેન્‍દ્ર કુમાર ખીચડે વિવાદિત નિવેદન આપ્‍યું છે. ભાજપના સાંસદે કહ્યું છે કે ગાંધીજીએ સુભાષ ચંદ્ર બોઝની હત્‍યા કરાવી હતી. એમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સાંસદ ખીચડ ૨૫મી જૂને બાકરા ગામમાં સ્‍વતંત્રતા સેનાની શ્‍યોલાલ ખીચડની પ્રતિમાના અનાવરણના કાર્યક્રમમાં ગયા હતા. કાર્યક્રમમાં એમણે કહ્યું હતું કે સુભાષ ચંદ્ર બોઝની હત્‍યા મહાત્‍મા ગાંધીએ કરાવી હતી.

વડાપ્રધાન તો એકને જ બનવાનું હતું. ગાંધીએ સુભાષ ચંદ્ર બોઝને ચૂંટણી લડવા માટે તો રાજી કર્યા, પરંતુ તેમને મરાવી નાખ્‍યા. આ નિવેદનથી વિવાદ વધતો જોઇને આ મામલે ખીચડે સ્‍પષ્ટતા કરી છે.

સાંસદે કહ્યું હતું કે મારો કહેવાનો મતલબ એ નહોતો. મારા કહેવાનો મતલબ એ હતો કે આઝાદી પછી પ્રથમ વડાપ્રધાન સુભાષચંદ્ર બોઝને બનવુ જોઇતુ હતુ. ગાંધી ઇચ્‍છેત તો સુભાષ ચંદ્ર બોઝ વડાપ્રધાન બની શકત.

એમણે કહ્યું હતું કે હું બસ એ કહેવા ઇચ્‍છતો હતો કે ગાંધીજીના કારણે જ સુભાષચન્‍દ્ર બોઝ વડાપ્રધાન ન બની શક્‍યા. ગાંધીએ સુભાષચન્‍દ્ર બોઝનું પોલિટિકલ મર્ડર કરી દીધું. સાચે જાનથી મારી નાખ્‍યા નથી. મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્‍યું છે. હું ગાંધીજીના માર્ગ પર ચાલનારો વ્‍યક્‍તિ છું. ઓફિસમાં મેં તેમની તસવીર લગાવીને રાખી છે.

દરમિયાન પૂર્વ પ્રધાન અને સાંગોદથી કોંગ્રેસના ધારાસભ્‍ય ભરત સિંહે ખીચડના નિવેદનને લઇને નારાજગી દર્શાવી છે. એમણે આ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્‍યો છે, જેમાં તેમણે લખ્‍યું છે કે આ પ્રકારની ટિપ્‍પણી કરવા પર નરેન્‍દ્ર ખીચડની સંસદની સભ્‍યતા રદ કરવામાં આવે. તેમની વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાવામાં આવે. આ જ રાષ્ટ્રના હિતમાં હશે.

(11:58 pm IST)