Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ભાજપ સરકારના 9 વર્ષ પુરા થતા 15 મેથી 15 જુન સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રચાર-પ્રસાર કરવાનો સાંસદોને નિર્દેશ આપતા વડાપ્રધાન

6થી 14 એપ્રિલ સુધી સામાજિક ન્‍યાય પખવાડિયુ ઉજવવાનું નક્કી કરાયુ

નવી દિલ્‍હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારના 9 વર્ષ પૂરા થયાના અવસરે ભારતીય જનતા પાર્ટીના સાંસદોને નવો ટાસ્ક સોંપ્યો છે. પીએમ મોદીએ સાંસદોને પોત પોતાના વિસ્તારોમાં જવા કહ્યું છે. મળતી માહિતી મુજબ 15મી મેથી 15મી જૂન સુધી તમામ સાંસદોએ પોતાના વિસ્તારોમાં રહેવાનું છે. પીએમ મોદીએ સાંસદોને સરકારના 9 વર્ષ પૂરા થયાના અવસરે કાર્યક્રમ બનાવીને સમગ્ર વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરવાના નિર્દેશ આપ્યા છે.

આ કાર્યક્રમ હેઠળ સાંસદોએ એક મહિનાનો કાર્યક્રમ બનાવીને પીએમઓ સાથે શેર કરવાનો છે. આ ઉપરાંત ભાજપ 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી સામાજિક ન્યાય પખવાડિયું ઉજવશે. આ વાતનો નિર્ણય ભાજપની સંસદીય દળની બેઠકમાં લેવાયો. પીએમ મોદીએ બેઠકમાં કહ્યું કે ભાજપ સ્થાપના દિવસથી લઈને બાબાસાહેબ આંબેડકર જયંતી સુધી તમામ સાંદો પોતાના વિસ્તારોમાં પ્રચાર કરે.

તેમણે કહ્યું કે તમામ સાંસદ 15મી મેથી 15મી જૂન સુધી સરકારના 9 વર્ષ પૂરા થયાના અવસરે સરકારના તમામ મહત્વપૂર્ણ કામકાજને જનતા સુધી લઈ જશે. પીએમ મોદીએ કહ્યું કે બિનરાજકીય ગતિવિધિથી સમાજમાં ખુબ પ્રભાવ રહે છે. ગુજરાતમાં બેટી બચાઓ બેટી પઢાઓ કેમ્પેઈનથી સેક્સ રેશિયોમાં સુધારો આવ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે ધરતીમાતા અને પર્યાવરણને સુધારવા માટે આગળ આવનારા સમયમાં તમામ સાંસદો કેમ્પેઈન ચલાવે. નવી નવી ટેક્નોલોજી બજારમાં આવી રહી છે તેના માટે એક્સપર્ટ ટીમને પોતાની સાથે જોડે. તેમણે સાંસદોને સંસ્કૃત સંસ્કૃતિ મહોત્સવ ચલાવવાનું આહ્વાન કર્યું. એટલું જ નહીં પીએમ મોદીએ કહ્યું કે એપ્રિલમાં મન કી બાતના 100માં એપિસોડમાં તમામ સાંસદો પોતાની સહભાગીતા નક્કી કરી. જેમ જેમ ભાજપ જીતના રસ્તે આગળ વધશે તેમ તેમ વિપક્ષી દળોના પ્રહાર પણ વધશે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે મે કહ્યું હતું કે રાજકીય હુમલા વધુ તેજ થશે અને તે હવે જોવા મળી રહ્યા છે.

(5:47 pm IST)