Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

વિપક્ષ છેલ્લા પાટલે બેસશે : મજબૂત લડાઇ માટે તૈયાર રહો

જેમ જેમ ભાજપ સફળતાની સીડી ચડશે તેમ - તેમ વિપક્ષો વધુ પ્રહારો કરશે : ભાજપની સંસદીય દળની બેઠકને સંબોધતા પીએમ મોદી : ભાજપના સાંસદોને ૧૫ મેથી ૧૫ જુન સુધી પોતાના સંસદીય વિસ્‍તારમાં જવા તથા સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરવા નિર્દેશ

નવી દિલ્‍હી તા. ૨૮ : આજે ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદીએ પાર્ટીના નેતાઓને મજબૂત લડાઈ માટે તૈયાર રહેવા જણાવ્‍યું હતું. વડાપ્રધાને કહ્યું કે જેમ જેમ પાર્ટી સફળતાની સીડી પર ચઢશે તેમ તેમ વિપક્ષી પાર્ટીઓ દ્વારા વધુ હુમલા થશે. આ બેઠક સંસદ પરિસરમાં યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં ત્રણ રાજયોમાં સત્તા મેળવવા બદલ વડાપ્રધાન મોદીનું અભિવાદન કરવામાં આવ્‍યું હતું. મીટિંગ દરમિયાન પીએમએ કહ્યું, ‘જેટલી વધુ ભાજપ સફળતાનો સ્‍વાદ ચાખવાનું ચાલુ રાખશે, તેટલી જ બીજી બાજુથી હુમલા વધશે. આપણે સખત લડાઈ માટે તૈયાર રહેવું પડશે.' જેમ જેમ ભાજપ સફળતાની સીડી ચડશે તેમ - તેમ વિપક્ષો વધુ પ્રહારો કરશે તેમ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ કહ્યું હતું.

કેન્‍દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્‍યું કે પીએમએ તમામ સાંસદોને ૧૫ મેથી ૧૫ જૂન સુધી પોતપોતાના મતવિસ્‍તારોની મુલાકાત લેવા કહ્યું છે. આ સાથે તમામ સાંસદોને ભાજપ સરકાર દ્વારા ૯ વર્ષ સુધી કરવામાં આવેલા કામોનો પ્રચાર કરવા પણ કહેવામાં આવ્‍યું છે.

ભાજપ સંસદીય દળની બેઠક દરમિયાન વડા પ્રધાને પક્ષના સાંસદોને નવ વર્ષ દરમિયાન સરકાર દ્વારા કરાયેલા કાર્યોને જનતા સુધી લઈ જવા અને પોતપોતાના વિસ્‍તારોમાં તેનો પ્રચાર કરવાની સલાહ આપી હતી. વડાપ્રધાને કહ્યું કે ૧૫ મેથી ૧૫ જૂન સુધી તમામ સાંસદોએ પોતપોતાના સંસદીય ક્ષેત્રોમાં જનતાની મુલાકાત લેવી જોઈએ. લોકસભા ચૂંટણીને એક વર્ષ બાકી છે. આ જ કારણ છે કે જયાં વિપક્ષ સરકાર વિરૂદ્ધ માહોલ બનાવવામાં વ્‍યસ્‍ત છે, ત્‍યારે સરકાર પણ પોતાના કામોને જનતા સુધી પહોંચાડવામાં વ્‍યસ્‍ત છે.

માનહાનિના કેસમાં રાહુલ ગાંધીએ સદસ્‍યતા ગુમાવ્‍યા બાદ વિપક્ષ સરકાર સામે ભડક્‍યા છે. વિપક્ષ સરકાર વિરૂદ્ધ દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવાની રણનીતિ તૈયાર કરી રહ્યો છે. વિપક્ષ રાહુલ ગાંધીના સંસદ સભ્‍યપદને લોકશાહી પર હુમલો ગણાવી રહ્યો છે. સાથે જ ભાજપ રાહુલ ગાંધી પર OBC વર્ગનું અપમાન કરવાનો આરોપ લગાવી રહી છે. આ પહેલા લંડનમાં રાહુલ ગાંધીના નિવેદન પર હોબાળો મચી ગયો છે. જયારે વિપક્ષ અદાણી કેસ પર જેપીસીની રચનાની માંગ કરી રહ્યો છે, ત્‍યારે શાસક પક્ષ રાહુલ ગાંધીના લંડનમાં આપેલા નિવેદન માટે માફી માંગે તેવી માંગ કરી રહી છે. જેના કારણે બજેટ સત્ર દરમિયાન ગૃહનું કામકાજ પણ થઈ શકતું નથી.

(4:39 pm IST)