Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

અમેરિકા-ચીનના નાગરિકોને ૧૦ વર્ષ સુધી વિઝા આપશે નહિ

અમેરિકન સંસદમાં બીલ રજુ કરાયું

વોશિંગ્ટન, : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમયથી અમેરિકા અને ચીન વચ્ચેના વણસેલા સંબધો હજુ પણ સુધરી રહ્યાં નથી ત્યારે અમેરિકાના સાંસદોએ ચીન માટે 10 વર્ષના મલ્ટી એન્ટ્રી વીઝા બંધ કરવા માટે એક બિલ સંસદમાં રજૂ કર્યુ છે.

સેનેટર્સ માર્શ બ્લેકબર્ન, ટોમ કોટન, રિક સ્કોટ, ટેડ કૂઝ, માર્કો રૂબિયો દ્વારા વિઝા સિક્યુરિટી એક્ટ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલની જોગવાઇ મુજબ ચીનના નાગરિકોને 10 વર્ષ માટેના બી-1 અને બી-2 વિઝા આપવામાં આવશે નહીં.

આ બિલમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી ચીન અમેરિકા વિરૂદ્ધ આર્થિક અને ઔદ્યોગિક જાસૂસી બંધ નહીં કરે ત્યાં સુધી તેના નાગરિકોને દસ વર્ષ માટેના વિઝા આપવાનું બંધ કરી દેવું જોઇએ. આ ઉપરાંત ચીને તાઇવાન પ્રત્યેના વ્યવહારમાં ફેરફાર કરવો પડશે.

અમેરિકામાં બિઝનેસ અથવા ટુરિઝમના હેતુથી આવતા લોકોને બી-1 અને બી-2 વિઝા આપવામાં આવે છે. નવા બિલમાં ચીનના નાગરિકોને એક વર્ષના મલ્ટી એન્ટ્રી વિઝા આપવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત આ બિલમાં માગ કરવામાં આવી છે કે ચીન હોંગકોંગમાંથી નેશનલ સિક્યુરિટી કાયદો પરત ખેંચે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ચીન અને અમેરિકા વચ્ચેના સંબધો ઐતિહાસિક નિમ્ન સ્તરે ચાલી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધ પણ ચાલી રહ્યો છે. બંને દેશોએ એકબીજાની વસ્તુઓની આયાત ડયુટી વધારી દીધી છે. ચીન સમગ્ર દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાનો કબજો હોવાનો દાવો કરે છે પણ વિયેતનામ, મલેશિયા, ફિલિપાઇન્સ, બુ્રનેઇ અને તાઇવાન ચીનના આ દાવાનો વિરોધ કરે છે.

(2:19 pm IST)