Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

પાકિસ્તાન ધીમે ધીમે શ્રીલંકા બનવા તરફ આગળ વધી રહ્યું છે, પાકિસ્તાનની અર્થવ્યવસ્થા દિવસેને દિવસે ખોરવાઈ રહી છે. આ સાથે વિદેશી હૂંડિયામણના ભંડારમાં પણ મોટો ઘટાડો થયો: ફાઈનાન્સિયલ ટાઈમ્સ

'જો અમે IMFની શરતોને સ્વીકારીએ તો રસ્તાઓ પર તોફાનો થઈ શકે છે: પાકિસ્તાનના પ્લાનિંગ મિનિસ્ટર અહેસાન ઈકબાલ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ડૂબવાને આરે પહોંચી ગઈ છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, પાકિસ્તાન ધીમે ધીમે શ્રીલંકા બનવા તરફ આગળ વધી રહ્યું છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા દિવસેને દિવસે ખોરવાઈ રહી છે. આ સાથે વિદેશી હૂંડિયામણના ભંડારમાં પણ મોટો ઘટાડો થયો છે, જેના કારણે વિદેશથી આવતા માલના સેંકડો કન્ટેનર બંદર પર અટવાયાં છે. પાકિસ્તાની રૂપિયો રેકોર્ડ બ્રેક નીચલા સ્તરે પહોંચી ગયો છે. પાકિસ્તાનની હાલત એટલી બગડી ગઈ છે કે તે પોતાના સાથી દેશો પાસેથી ભીખ માંગી રહ્યું છે, જો કે પાકિસ્તાન આ ખરાબ સ્થિતિમાંથી બહાર આવવા માટે તેમનું સમર્થન મેળવવામાં અસમર્થ છે.

પાકિસ્તાનમાં શાહબાઝ શરીફ સરકાર પણ તેનો સામનો કરવામાં અસમર્થ જણાય છે. ઘણાં દેશોએ પાકિસ્તાનને લોન આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે ક્યારે મળશે તેની કોઈ માહિતી નથી. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ પાકિસ્તાનને મદદ કરવા માટે કેટલીક શરતો મૂકી છે. આ અંગે પાકિસ્તાનના પ્લાનિંગ મિનિસ્ટર અહેસાન ઈકબાલનું કહેવું છે કે, 'જો અમે IMFની શરતોને સ્વીકારીએ તો રસ્તાઓ પર તોફાનો થઈ શકે છે'.

પાકિસ્તાનમાં દિવસમાં 12 કલાક વીજકાપ

પાકિસ્તાનમાં પણ પાવર કટ સામાન્ય બની ગયો છે. સોમવારે પાકિસ્તાનમાં લગભગ 12 કલાક સુધી વીજ પૂરવઠો બંધ રહ્યો હતો. આ કારણે પાકિસ્તાનમાં કપડા ઉત્પાદકો પણ તેમના કામના કલાકો ઘટાડી રહ્યા છે. પાકિસ્તાનની કાપડની ફેક્ટરીઓ કાં તો બંધ થઈ રહી છે અથવા તો તેઓ દિવસમાં માત્ર થોડા કલાકો માટે જ કામ કરે છે.

પાકિસ્તાન શ્રીલંકા બનવાની દિશામાં!

વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અસ્થિર બની રહી છે. તે એવા તબક્કે આવી ગયું છે કે, પાકિસ્તાનની હાલત શ્રીલંકા જેવી થવા જઈ રહી છે. ત્યાં વિદેશી અનામતની અછતને કારણે આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછત સર્જાશે. પાકિસ્તાનના પ્લાનિંગ મિનિસ્ટર અહસાન ઈકબાલે ફાઈનાન્શિયલ ટાઈમ્સને જણાવ્યું હતું કે, વિદેશી હૂંડિયામણ બચાવવા માટે દેશે આયાતમાં ભારે ઘટાડો કર્યો છે.

શ્રીલંકાની આર્થિક કટોકટી સામે લડત

શ્રીલંકા છેલ્લા એક વર્ષથી આર્થિક કટોકટી સામે ઝઝૂમી રહ્યુ છે. તેને વ્યાપક રીતે અત્યાર સુધીનું સૌથી ખરાબ આર્થિક સંકટ તરીકે વર્ણવામાં આવી રહ્યુ છે. કોલંબોએ જુલાઈમાં દિવાળીયું ફૂંકાયાની જાહેરાત કરી હતી અને અત્યાર સુધી સંકટમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરી રહ્યુ છે. માર્ચમાં સંકટ ચરમસીમાએ પહોંચી ગયું હતું અને શ્રીલંકાને છેલ્લા 26 વર્ષથી સૌથી વધુ સમય માટે વીજકાપ મૂકવા માટે મજબૂર થવું પડ્યું હતું.

(7:56 pm IST)