Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

બંને વિમાનોની વચ્ચે હવામાં અથડામણ: ફાયટર જેટની ટક્કર મુદ્દે દુર્ઘટનાનું પ્રાથમિક કારણ

ભારતીય વાયુસેનાના ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ-30 અને મિરાજ-2000 એકબીજા સાથે અથડાવાને કારણે ક્રેશ થયા હતા

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ-2000 જેટ સામસામે ટકરાયા બાદ ક્રેશ થયા હતા અને આ ક્રેશમાં એક પાયલટનું મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા હતા. જ્યારે બે પાયલટ પોતાના જીવ બચાવવામાં સફળ થયા હતા જેઓને ઈજા પહોચી હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ વાયુસેના હેલિકોપ્ટર મારફતે ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને પાયલટોને બચાવી લીધા હતા. દુર્ઘટનાનું પ્રાથમિક કારણ બંને વિમાનોની વચ્ચે હવામાં અથડામણ હોવાનું માનવામાં આવે છે.

સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતુ કે ભારતીય વાયુસેનાના ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ-30 અને મિરાજ-2000 એકબીજા સાથે અથડાવાને કારણે ક્રેશ થયા હતા. જો કે આ મામલે વધુ માહિતી કોર્ટ ઓફ ઈન્કવાયરીમાં જ બહાર આવી શકશે. હાલ તો આ ઘટનામાં એક પાયલટનું મૃત્યુ થયાના સમાચાર પણ સામે આવ્યા હતા.આ અંગે જાણ થતાં હેલિકોપ્ટરથી દુર્ઘટના સ્થળ પર વાયુ સેનાના ઇજાગ્રસ્ત પાયલોટનું રેસ્ક્યુ કરી ગ્વાલિયર ઍયરબેસ પર લાવવામાં આવ્યા હતા. જ્યા ઘાયલ પાયલોટને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે વાયુસેના (IAF)ના સુખોઈ-30 અને મિરાજ-2000 નામના બે ફાઈટર એરક્રાફ્ટ શનિવારે મધ્ય પ્રદેશના મોરેના જિલ્લામાં દુર્ઘટના નડી હતી. દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો એક ભાગ રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં સ્થિત પિંગોરા ગામમાં પડ્યો હતો. દુર્ઘટના અગાઉ વાયુસેના બન્ને લડાકુ વિમાને ગ્વાલિયર હવાઈ મથકથી ઉડાન ભરી હતી. મુરૈનાના પોલીસના જણાવ્યા ભારતીય વાયુસેનાએ અકસ્માતની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીની સ્થાપના કરી છે. જણાવવામાં આવ્યું હતું કે ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન બે પાઈલટ સુખોઈમાં સવાર હતા જ્યારે એક પાઈલટ મિરાજમાં સવાર હતો.

(7:50 pm IST)