Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ધનબાદની જાણીતી હોસ્પિટલમાં આગથી પાંચ લોકોનાં મોત, ૧૨ને ઈજા

ઝારખંડના ઘનબાદમાં આગની ગોઝારી ઘટના : આ લોકોના મૃત્યુ દાઝી જવાને લીધે નહીં પરંતુ ઝેરીલા ધૂમાડામાં શ્વાસ રુંધાવાને લીધે થયા હતા, ડૉ. હાજરના બે પાલતુ કૂતરા પણ મૃત્યુ પામ્યા

ધનબાદ, તા.૨૮ : ઝારખંડના ધનબાદના પ્રસિદ્ધ ડૉ. સી.સી. હાજરા હોસ્પિટલમાં મોડી રાતે આગ લાગતા હાજરા પરિવારના ૫ લોકો મૃત્યુ પામ્યા. મૃતકોમાં ડૉ. વિકાસ હાજરા, તેમના પત્ની ડૉ. પ્રેમા હાજરા, ભગના સોહેલ કંગારુ, ભોજન રાંધનાર તારા અને ડૉ. વિકાસના મહેમાન સામેલ છે. જોકે ૧૦થી ૧૨ લોકો ઘવાયા હતા. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ આ મામલે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

જોકે આ લોકોના મૃત્યુ દાઝી જવાને લીધે નહીં પરંતુ ઝેરીલા ધૂમાડામાં શ્વાસ રુંધાવાને લીધે થયા હતા. ડૉ. હાજરના બે પાલતુ કૂતરા પણ મૃત્યુ પામ્યા છે. ડૉ. વિકાસ હાજરા હોસ્પિટલના સંસ્થાપક ડૉ. સીસી હાજરાના પુત્ર તથા ડૉ. પ્રેમા હાજરા તેમની પુત્રવધુ હતી. જોકે રાહતના સમાચાર એ છે કે હોસ્પિટલમાંથી તમામ દર્દીઓને બહાર સુરક્ષિત કાઢી લેવાયા હતા.

માહિતી મળતાં જ બેંકમોડ પોલીસ સ્ટેશન તથા ફાયરબ્રિગેડની ટીમ બજાર એક્સચેન્જ રોડ સ્થિત હાજરા હોસ્પિટલ પહોંચી હતી. તમામ શબને કાઢીને એસએનએમએમસીએચ હોસ્પિટલ મોકલી દેવાયા હતા. જોકે ગંભીર રીતે દાઝેલા અને ઘાયલ ૧૦થી ૧૨ લોકોને નજીકની બીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડૉક્ટર પરિવાર સાથે હોસ્પિટલમાં આવેલા આવાસમાં જ રહેતા હતા. માહિતી અનુસાર શોર્ટસર્કિટને લીધે આગ લાગી હતી.

(7:35 pm IST)