Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મુરૈનામાં વાયુસેનાના સુખોઈ અને મિરાજ એરક્રાફ્ટ ક્રેશ થયા

મધ્યપ્રદેશના મુરૈનાની ગંભીર ઘટના : ઘટના સ્થળે બચાવ કાર્ય ચાલુ, હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી, બંને પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા

મુરૈના, તા.૨૮ : હજુ થોડાક સમય પહેલા જ રાજસ્થાનમાં એક પ્લેન ક્રેશના સમાચાર આવ્યા હતા ત્યારે હવે મધ્યપ્રદેશના મુરેનામાં બે પ્લેન ક્રેશ થયાના સમાચાર મળી રહ્યા છે. મધ્યપ્રદેશના મુરેનામાં વાયુસેનાના સુખોઈ અને મિરાજ એરક્રાફ્ટ ક્રેશ થયા હતા. આ ઘટના સ્થળે બચાવ કાર્ય ચાલુ છે. હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. બંને પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે.મધ્યપ્રદેશના મોરેના પાસે બે ફાઈટર જેટ ક્રેશ થયા છે. આમાંથી એક વિમાન સુખોઈ-૩૦ છે જ્યારે બીજું વિમાન મિરાજ ૨૦૦૦ છે. અકસ્માત બાદ બંને વિમાનોમાં આગ લાગી હતી. આ બંને વિમાનોએ ગ્વાલિયર બેઝ પરથી ઉડાન ભરી હતી. આ ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીએ સેના સાથે મળીને શોધ અને બચાવ કામગીરી શરૃ કરી દીધી છે. આ સાથે જ રેસ્ક્યુ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી જ્યાં એરફોર્સની કવાયત ચાલી રહી હતી.

આ ઘટનાના થોડા સમય પહેલા જ યુપીના આગ્રાથી ઉડતું પ્લેન રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચૈન વિસ્તારમાં ક્રેશ થયું હતું. જો કે રહેણાંક વિસ્તારમાં આ પ્લાન ક્રેશ થયુ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. જિલ્લા કલેક્ટર આલોક રંજને જણાવ્યું કે ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

 

સનાતન ધર્મ એ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે, આપણો દેશ સુરક્ષિત રહેવો જોઈએઃ યોગી આદિત્યનાથ

 સનાતન ધર્મના વિવાદ પર યુપીના મુખ્યમંત્રીનું મોટું નિવેદન :  આપણાં ધાર્મિક સ્થળોનો ધ્વસ્ત કરવામાં આવે છે તો ફરીથી તેનું પુનઃનિર્માણ પણ કરવામાં આવે છે, અયોધ્યામાં ૫૦૦ વર્ષ બાદ રામ મંદિર બની રહ્યું છે

લખનૌ, તા.૨૮ : દેશમાં સનાતન ધર્મ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, સનાતન ધર્મ એ ભારતનો રાષ્ટ્રીય ધર્મ છે. અંગત સ્વાર્થથી ઉપર ઊઠીને આપણે રાષ્ટ્રધર્મમાં જોડાઈએ છીએ. આપણો દેશ સુરક્ષિત રહેવો જોઈએ. ગો બ્રાહ્મણની રક્ષા કરવી જોઈએ.

રાષ્ટ્રધર્મમાં જોડાઈએ તો દેશ સુરક્ષિત છે. જ્યારે આપણાં ધાર્મિક સ્થળોનો ધ્વસ્ત કરવામાં આવે છે તો ફરીથી તેનું પુનઃનિર્માણ પણ કરવામાં આવે છે. અયોધ્યામાં ૫૦૦ વર્ષ બાદ રામ મંદિર બની રહ્યું છે. એક દિવ્ય અને ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં સીએમ યોગીએ એમ પણ કહ્યું કે, જો આપણા ધાર્મિક સ્થળોને કોઈપણ સમયગાળા દરમિયાન અપવિત્ર કરવામાં આવ્યું હોય તો તેને પુનઃસ્થાપિત કરવા માટે એક અભિયાન ચલાવવું જોઈએ.

તમે આ અભિયાનનો ક્રમ જોઈ રહ્યા હશો કે અયોધ્યામાં ૫૦૦ વર્ષ પછી મોદીજીના પ્રયાસોથી આજે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યું છે. આજે ભારતનું રાષ્ટ્રીય મંદિર ભગવાન રામના મંદિર તરીકે સ્થાપિત થઈ રહ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે, હું ખૂબ ખુશ છું કે આગામી એક વર્ષમાં રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજશે.

(7:34 pm IST)