Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

એરપોર્ટના રન વે પરથી જ પસાર થાય છે ટ્રેન, પ્‍લેન હવામાં ઉડતું રહે છેઃઅદભૂત નજારો

ગિસબોર્નએ ન્‍યુઝીલેન્‍ડ દેશમાં દુનિયાનું એક માત્ર એરપોર્ટ છે જેની નીચેથી રેલવે ટ્રેક પસાર થાય છેઃ આ ટ્રેક પર વારાફરથી રેલવે પણ દોડે છે અને પ્‍લેન પણ ઉડે છે

વેલિંગ્‍ટન, તા.૨૮: ગિસબોર્નએ ન્‍યુઝીલેન્‍ડ દેશમાં દુનિયાનું એક માત્ર એરપોર્ટ છે જેની નીચેથી રેલવે ટ્રેક પસાર થાય છે. આ ટ્રેક પર વારાફરથી રેલવે પણ દોડે છે અને પ્‍લને પણ ઉડે છે.આ સ્‍થળ નોર્થ આઇલેન્‍ડ પાસે આવેલું છે.સવારે ૬.૩૦ થી રાત્રે ૮.૩૦ સુધી આ સ્‍થળે ટ્રેન અને પ્‍લેનનું આવન જાવન ચાલું રહે છે. નેપિઅરથી ગિસબોર્ન તરફ જતો રેલવે ટ્રેક ગિસબોર્ન એરપોર્ટના રનવે પરથી પસાર થાય છે.

આમ રેલવે ટ્રેક વિમાનના રન વે પરથી જ પસાર થતો હોવાથી રેલવે અને એરોપ્‍લેનના ટ્રાફિક નિયમન કરવું પડે છે.મોટે ભાગે રેલવે પસાર થતી હોય ત્‍યારે વિમાનના રન વે પરના ઉડાણને અટકાવવામાં આવે છે. પ્‍લનને રન વે પર લાવવા માટે રેલવેને અટકાવવામાં આવી હોય તેવું જવલ્લે બને છે.કારણ કે રેલવેની સ્‍પીડને અટકાવી દેવા કરતા પ્‍લેનને આકાશમાં રાખવું એ વધારે સરળ ઉપાય માનવામાં આવે છે.

આ એરપોર્ટ પરથી દરરોજ ૬૦ થી વધુ વિમાનો ઉડે છે. દરરોજ ૧૫ થી પણ વધુ ટ્રેનો પસાર થાય છે. દુનિયાનું આ એક માત્ર સ્‍થળ છે જયાં ટ્રેન આવતી હોવાના કારણે વિમાનને ઉતરવામાં રાહ જોવી પડે છે.રન વે પરથી જ ટ્રેન પસાર થતી હોવાથી ઘણા ગિસબોર્નને દુનિયાના ડેન્‍જર્સ એરપોર્ટમાં ગણાવે છે.જો કે ૧૭૭૭ મીટર લાંબા રન વે પર આજ સુધી અકસ્‍માત થવાની ઘટના બની નથી.

૨૦૧૧ના વર્ષમાં ન્‍યૂઝીલેન્‍ડમાં ૭.૧ ની તિવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્‍યો ત્‍યારે સેન્‍ટ્રલ ગિસબોર્નમાં ભારે તબાહી થઇ હતી.જો કે એરપોર્ટ અને તેના રન વે ને આંશિક નુકસાન થયું હતું. આ એરપોર્ટ ઇસ્‍ટ કોસ્‍ટ અને નોર્થ કોસ્‍ટને જોડે છે.૧૬ ડિસેમ્‍બર ૨૦૦૪થી ગિસબોર્ન ડિસ્‍ટ્રીકટ કાઉન્‍સીલ તેનું સંચાલન કરે છે.

(10:54 am IST)