Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

શશીકલાના પ્રાંગણો પર ફરી દરોડા પડાયા : ઉંડી ચકાસણી

છથી વધુ સ્થળો ઉપર એક સાથે દરોડા પડાયાઃ આરકેનગરની પેટાચૂંટણીના પરિણામ બાદ દરોડા પડ્યા

ચેન્નાઇ,તા. ૨૭, આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે જેલમાં રહેલા અન્નાદ્રમુકના નેતા વીકે શશીકલા અને તેમના પરિવારના સભ્યો સાથે જોડાયેલા છ સ્થળો ઉપર ફરી દરોડાની કાર્યવાહી શરૃ થઇ હતી. ચેન્નાઈ અને અન્ય સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. આરકેનગરની પેટાચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યાના ત્રણ દિવસ બાદ દરોડા પડાયા હતા. શશીકલાના ભત્રીજા ટીટીવી દિનાકરણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી હતી. ચેન્નાઈમાં મિડાસ, સાઈ ગ્રુપ ઓફ કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, ૯મીથી ૧૩મી નવેમ્બર દરમિયાન આવકવેરા વિભાગે અગાઉ શશીકલા, તેમના સગાસંબંધીઓ અને સમર્થકો સાથે જોડાયેલા ૧૮૭ સ્થળો ઉપર તપાસ કરી હતી. તમિળનાડુમાં ઇન્કમ ટેક્સ વિભાગની કેટલીક ટીમોએ અગાઉ એક સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી ગયો હતો. અન્નાદ્રમુકના નેતા શશીકલાના નિયંત્રણવાળા જયા  ટીવીની ઓફિસ ઉપરાત, તેમના પરિવારના સભ્યો, સમર્થકો તેમજ પૂર્વ મુખ્યપ્રધાન જે જયલલિતાના કોદાંદ એસ્ટેટ સહિત રાજ્યભરમાં ૮૦ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દેશવ્યાપી પાડવામાં આવ્યા હતા.જેલમાં રહેલા શશીકલા અને તેમના સાથીઓની સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આઇટીના અધિકારીઓએ માહિતી આપતા કહ્યુ હતુ કે અન્નાદ્રમુકના નેતા ટીટીવી દિનાકરણ , શશીકલાના ભાઇ દિવાકરણના કોટ્ટાઇ આવાસ અને તેમના સમર્થકોના આવાસ તેમજ અન્ય પ્રાંગણો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આઇટીના અધિકારીઓએ શશીકલાના ભત્રીજા વિવેક જયરામનના નિવાસસ્થાને પણ તપાસ કરી હતી. જયરામન હાલમાં જયા ટીવી અને જાજ સિને ટીવીની જવાબદારી સંભાળે છે. કુલ ૧૮૭ સ્થળો પર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમ દરોડા પાડતા તમિળનાડુની રાજનિતીમાં ભારે ચકચાર મચી ગઇ હતી.  તપાસના ભાગરૃપે શેલ કંપનીઓ અને શંકાસ્પદ રોકાણ સામેલ છે. શશીકલા હાલમાં જેલમાં છે.

(10:06 pm IST)