Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

હું હવે સોનિયા ગાંધીનો રાજકીય સલાહકાર નથીઃ અહેમદ પટેલ

રાહુલ નવા પ્રમુખ બન્યા પછી તેમની ટીમ તેઓ નક્કી કરશેઃ ૧૬ વર્ષ સુધી સોનિયા ગાંધીના મુખ્ય સ્ટ્રેટજિસ્ટ રહ્યા : રાહુલની આગેવાનીમાં કોંગ્રેસ ૨૦૧૯માં સરકાર રચવાની સ્થિતિમાં છે

નવી દિલ્હી તા. ૨૭ : કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય અને સીનિયર નેતા અહેમદ પટેલે કહ્યું છે કે તેઓ હવે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર નથી અને તેમની ભૂમિકા પક્ષના નવા પ્રમુખ રાહુલ ગાંધી નક્કી કરશે. ૬૮ વર્ષીય અહેમદ પટેલ સોનિયા ગાંધીના મુખ્ય સ્ટ્રેટજિસ્ટ તરીકે છેલ્લાં ૧૬ વર્ષથી કામ કરી રહ્યા હતા અને કોંગ્રેસમાં બીજા ક્રમના સૌથી શકિતશાળી નેતા મનાતા હતા. સોનિયા ગાંધીના સ્થાને આ મહિનાની શરૂઆતમાં રાહુલ ગાંધી પ્રમુખ બનતા જ સોનિયાના પોલિટિકલ સેક્રેટરીની અહેમદ પટેલની પોસ્ટનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. પટેલે કહ્યું કે 'હું હવે શ્રીમતી સોનિયા ગાંધીનો પોલિટિકલ સેક્રેટરી નથી, પરંતુ કોંગ્રેસ કારોબારીના સભ્ય તરીકે રહીશ. હવે કોંગ્રેસના પ્રમુખે તેમની ટીમ નક્કી કરવાની છે.'

રાહુલ ગાંધીના નેતૃત્વમાં પક્ષનું ભાવિ ઉજ્જવળ છે તેમ જણાવીને અહેમદ પટેલે કહ્યું હતું કે 'રાહુલજી યુવાન, ઊર્જાવાન છે, વિઝન ધરાવે છે અને દેશ માટે કંઈક કરવા માગે છે. શ્રીમતી સોનિયા ગાંધી તેમના સંતાનો સાથે ચર્ચા કરીને આગામી સમયમાં તેમના પોતાના રોલ વિશે નિર્ણય કરશે, તેઓ કોંગ્રેસ સંસદીય પક્ષના ચેરપર્સન તરીકે તો રહેશે જ.'

પટેલે ઉમેર્યું કે 'રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસ અન્ય સમાન વિચારધારાવાળા પક્ષો સાથે મળીને ૨૦૧૯માં કેન્દ્રમાં સરકાર રચવાની સ્થિતિમાં છે.' તાજેતરમાં ગુજરાતની ચૂંટણીમાં રાહુલની આગેવાનીમાં કોંગ્રેસને સારી સફળતા મળી છે તેને પગલે પટેલને રાહુલ પ્રત્યે ખાસ્સી આશા છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં રાહુલની અથાગ કેમ્પેઈન સ્કિલને કારણે કોંગ્રેસમાં ઊર્જાનો નવો સંચાર થયો છે.

રાહુલ કમને રાજકારણમાં આવ્યા છે કે કેમ તેવા સવાલના જવાબમાં પટેલે કહ્યું કે 'રાહુલજી ગંભીર રાજકીય નેતા હતા અને હંમેશા છે, પરંતુ સોશિયલ મીડિયામાં તેમની વિરુદ્ઘ ષડયંત્ર રચાયું હતું, તેમની મજાક ઉડાવાતી હતી. તેઓ વિઝન સાથેના નેતા છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર પછી તે સાબિત થઈ ગયું છે.'

પટેલે દાવો કર્યો છે કે કોંગ્રેસને ગુજરાતમાં ૧૦૦થી વધુ સીટ મળે તેમ હતી. પરંતુ કેટલાક નબળા ઉમેદવારોની પસંદગી થઈ અને બસપા તથા એનસીપી જેવા સાથી પક્ષોએ કરેલી માગણીને કારણે આ શકય ન બન્યું. તેમણે આ સાથે જ કહ્યું હતું કે ઈવીએમમાં ગરબડની શંકા પણ હતી. તેમણે કહ્યું કે 'ઘણાં સ્થળે કોંગ્રેસની રેલીને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, તેમ છતાં બેઠક ન મળી. મને લાગે છે કે ચૂંટણી પંચે ઈવીએમ અંગે લોકોને સંતોષ થાય તેવું કંઈ કરવું જોઈએ.' તેમણે કહ્યું કે 'હું મુખ્યમંત્રીપદનો ઉમેદવાર કયારેય ન હતો અને હોઈશ પણ નહીં. મારું નામ બિનજરૂરી રીતે વિવાદમાં ઘસડવામાં આવ્યું હતું. અગાઉ મને 'અહેમદ મિયાં' કહેવાતો હતો અને હવે 'અહેમદ પટેલ' કહેવામાં આવી રહ્યો છે.'

(10:17 am IST)