Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

પાકિસ્તાનની રાજનીતિમાં નવો વળાંક :ઈમરાનની પાર્ટી તમામ વિધાનસભાઓમાંથી રાજીનામું આપશે

ઈમરાન ખાનની પીટીઆઈ પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (પીઓકે) અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સત્તામાં છે

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન  વિશાળ રેલીને સંબોધવા રાવલપિંડી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે દેશની તમામ વિધાનસભાઓમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમજ પીએમ શાહબાઝ શરીફ પર આકર પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં ઈમરાન ખાને ફરી તેમના પર હુમલો થવાની આશંકા વ્યક્ત કરી છે.

 ઈમરાને કહ્યું કે હું મોતથી ડરતો નથી તે ત્યારે જ આવે છે જ્યારે અલ્લાહ ઈચ્છે. અમારી પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ(પીટીઆઈ) તમામ એસેમ્બલીમાંથી રાજીનામું આપશે. આ માટે અમે અમારા તમામ મુખ્યમંત્રીઓ અને સંસદીય દળ સાથે બેઠક કરીશું. ઈમરાન ખાનની પીટીઆઈ પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (પીઓકે) અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સત્તામાં છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર જીવલેણ હુમલો થયો હતો. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પૂર્વ પીએમ ઈમરાન ખાન પોતાની પાર્ટીની રેલીને સંબોધી રહ્યા હતા. સરકારના વિરોધ પ્રદર્શન માટે યોજાઈ રહેલી રેલીમાં અચાનક અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. ઈમરાન ખાનને નિશાન બનાવીને આ હુમલો થયો હતો. ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના એક કાર્યકરનું મોત થયું હતું.

(12:30 am IST)