Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ખૂબ ઝડપથી ફેલાતા વેરિયન્ટે વધારી ચિંતા

WHOએ કોવિડ-૧૯ નવા વેરિયન્ટને નામ આપ્યુ 'ઓમિક્રોન'

નવી દિલ્હી,તા. ૨૭: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સલાહકાર સમિતિએ દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોના વાયરસના નવા વેરિયન્ટને ચિંતા વ્યકત કરી છે.આ સંસ્થા દ્વારા ખુબ ઝડપથી ફેલાતા વેરિયન્ટને 'ઓમિક્રોન' નામ આપવામાં આવ્યું છે.

ગઇ કાલે સંયુકત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સી દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત છેલ્લા કેટલાક મહિનામાં નવા વેરિયન્ટ વાયરસના વર્ગીકરણમાં પ્રથમ વખત છે. આ વર્ગમાં ડેલ્ટા વેરિયન્ટને  પણ મૂકવામાં આવ્યો હતો, જે વિશ્વભરમાં ફેલાયો હતો.કોવિડ-૧૯ના વેરિયન્ટને કારણે અમેરિકા સોમવારથી દક્ષિણ આફ્રિકા અને અન્ય સાત આફ્રિકન દેશોના બિન-યુએસ નાગરિકોની મુસાફરી પર પ્રતિબંધ મૂકશે. ઈમ્પીરીયલ કોલેજ લંડનના વાઈરોલોજિસ્ટ ડો. ટોમ પીકોકે આ અઠવાડિયાની શરૂઆતમાં તેમના ટ્વિટર એકાઉન્ટ પર વાયરસના નવા પ્રકાર (b.1.1.529) વિશે માહિતી પોસ્ટ કરી હતી. ત્યારથી વૈજ્ઞાનિકો આ વેરિયન્ટ પર શોધ કરી રહ્યા છે.

વિશ્વભરના વૈજ્ઞાનિકો હવે ઝડપથી ફેલાતા નવા વેરિયન્ટ પર રિચર્સ કરી રહ્યા છે.દક્ષિણ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ (NICD) એ પુષ્ટિ કરી છે કે દક્ષિણ આફ્રિકામાં B.1.1529 મળી આવ્યો છે અને જિનોમ સિકવન્સિંગ બાદ નવા વેરિયન્ટના ૨૨ કેસોની પુષ્ટિ કરવામાં આવી છે. સંક્રમણ વધે તે પહેલા જ નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે.

દક્ષિણ આફ્રિકામાં મળી આવેલ કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ ખૂબ જ ખતરનાક હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. વિશ્વના ઘણા દેશોએ નવા વેરિયન્ટની દહેશતને પગલે દક્ષિણ આફ્રિકાથી આવતા લોકો પર પ્રતિબંધો લાદવાનું શરૂ કરી દીધું છે. દક્ષિણ આફ્રિકામાં સેન્ટર ફોર એપિડેમિક રિસ્પોન્સ એન્ડ ઈનોવેશનના ડાયરેકટર પ્રોફેસર તુલિયો ડી ઓલિવિરાએ જણાવ્યુ હતુ કે, આ ખૂબ જ અલગ પ્રકારનું મ્યુટન્ટ છે, જે ઝડપથી ફેલાઈ રહ્યું છે.

અહેવાલો અનુસાર ૩૦ થી વધુ મ્યુટેશન સાથેનો એક નવો કોવિડ વેરિયન્ટ પણ દક્ષિણ આફ્રિકામાં ફેલાઈ રહ્યો છે. યુકેના આરોગ્ય પ્રધાન સાજિદ જાવેદે છ આફ્રિકન દેશોની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ દેશોને રેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવશે. ઉપરાંત, બ્રિટનના પ્રવાસીઓને પણ હવેથી કવોરેન્ટાઇન કરવું પડશે. 

(9:36 am IST)