Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ફાયર બ્રિગેડ જવાનોએ જીવ જોખમમાં મુકી ૨૮ જિંદગીઓ બચાવી

હોસ્પિટલ સ્ટાફે બાજુમાં આવેલ મવડી ફાયર સ્ટેશને જાણ કરતા જ ૧ મીનીટમાં રેસ્કયુ ટીમ આવી ગઇ : કોરોનાની પરવા કર્યા વગર સીધા જ દર્દીઓ પાસે પહોંચી ડોકટરોના માર્ગદર્શન હેઠળ ઓકસીજન સહિત લોકોને બચાવી લીધા

રાજકોટ તા. ૨૭ : મવડી આનંદ બંગલા ચોકમાં આવેલ ઉદય કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ દરમિયાન મ.ન.પા.ના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના જવાનોએ સ્ટાફ તથા કોરોના દર્દીઓને પોતાના જીવના જોખમમાં મૂકી અને બચાવી લેવાની પ્રશંસનિય ફરજ બજાવી હતી.

બનાવની વિગતો મુજબ આગ લાગવા અંગે ૧૨.૪૫ વાગ્યે કોલ મળતાની સાથે જ મળતાની સાથે જ રેસ્કયુ ટીમ ૧ મીનીટમાં જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને કોવિડ હોસ્પિટલ હોવા છતાં પી.પી.ઇ. કીટ પહેર્યા વગર કોરોના સંક્રમણની પરવા કર્યા વગર સીધા જ હોસ્પિટલમાં જઇ અને ડોકટરોના માર્ગદર્શન હેઠળ દર્દીઓને ઓકસીજન સહિત ઉપાડી હોસ્પિટલમાંથી બહાર કાઢયા હતા. આ પ્રકારે ૨૮ વ્યકિતઓના જીવ ફાયરબ્રિગેડના જવાનોએ બચાવી લીધા હતા.

ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ અસહ્ય ધુમાડા અને અંધારા વચ્ચે બચાવ કામગીરી અઘરી હતી છતાં રેસ્કયુ ટીમે આ બચાવ કાર્ય સંપન્ન કર્યું હતું. જો સમયસર બચાવ ન થયો હોત તો ધુમાડાને કારણે ઓકસીજન પર રહેલા અનેક દર્દીઓના જીવ જોખમમાં મુકાઇ જાત.

આમ, કોરોનાની પરવા કર્યા વગર સમયનો જરા પણ બગાડ કર્યા વગર ફાયર બ્રિગેડના જવાનોએ પ્રશંસનીય બચાવ કાર્ય કર્યું હતું.

(3:36 pm IST)