Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

મોદી સરકારે એક દેશ, એક ચૂંટણી અભિગમને દેશમાં લાગુ પાડવાની દિશામાં પહેલું કદમ માંડી દીધું

કમિટિ બનાવાશે, સૂચનો - માર્ગદર્શનના આધારે રણનીતિ નક્કી કરાશે, મોટાભાગના પક્ષો તરફેણમાં, બેઠકમાં ૪૦માંથી ૨૧ પક્ષોની હાજરી : રાજનાથ

નવી દિલ્હી તા. ૨૭ : દુનિયાના ૧૦ દેશોમાં એક દેશ, એક ચૂંટણી અમલમાં છે. ભારતમાં અમલી બનાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. મોદી સરકારે એક દેશ, એક ચૂંટણી અભિગમને દેશમાં લાગુ પાડવાની દિશામાં પહેલું કદમ માંડી દીધું છે. ત્યારે વડા પ્રધાન મોદીએ આ મુદ્દે ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ રક્ષા મંત્રી રાજનાથસિંહે એવું જણાવ્યું કે પીએમ મોદીએ બોલાવેલી બેઠકમાં એક દેશ, એક ચૂંટણી સહિત ૫ મુદ્દે ચર્ચા થઈ હતી.

રાજનાથે કહ્યું કે પીએમ મોદીએ આ મુદ્દે કમિટી બનાવવાની વાત કરી છે. આ કમિટિ એક નિશ્યિત સમયમર્યાદામાં તેના સૂચનો આપશે અને તેને આધારે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે મોટાભાગના પક્ષો એક દેશ, એક ચૂંટણીની તરફેણમાં છે. સીપીએમને મતભેદ હતો પરંતુ તેણે વિરોધ કર્યો નથી. ૪૦ પક્ષોને બેઠકનું આમંત્રણ અપાયું હતું તેમાંથી ૨૧ પક્ષો હાજર રહ્યાં હતા તો ૩ પક્ષોએ લેખિતમાં તેમના વિચારો આપ્યાં છે.

વિધાનસભા, લોકસભા, અને પંચાયત ચૂંટણીમાં મતદાતાની યાદી જુદી જુદી હોવાથી અનેક તકલીફો સામે આવી છે. વિડીયો કોન્ફરન્સમાં મોદીએ વારંવાર જણાવ્યુ હતું કે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વિકાસના કામો અટવાયા છે. કોરોનની મહામારી સામે આખો દેશ લડી રહો છે. પરંતુ સાથે સાથે દેશના એવા નિર્ણયો લેવા પણ આવશ્યક છે કે જેથી દેશની વિકાસની ગતિ ચાલતી રહે આ માટે એક દેશ એક ચૂંટણીનો વિચાર એક ક્રાંતિકારી વિચાર સાબિત થઈ શકે તેમ છે, આ વિચાર માટે મોદીએ કોન્ફરન્સમાં જોડાયેલા અધિકારીઓને પણ આહ્વાન કર્યું હતું કે આ દિશામાં વધુ ઉન્નત અને ઇનોવેટિવ વિચારો આપના તરફથી આવકારી રહેશે.

(2:51 pm IST)