Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

કલેકટર કચેરીમાં ભયાનક આગ અને કોરોના અંગે કોર કમીટીની મીટીંગ શરૃઃ બપોરે ૩ વાગ્યે એ.કે.રાકેશ રાજકોટમાં : ઘટનાસ્થળે અધિકારીઓ વિઝીટ કરશે

બપોર બાદ કલેકટર કચેરીમાં તમામ અધિકારીઓને મળશે : સી.પી., મ્યુ.કમિશ્નર અને કલેકટર અને કલેકટર પાસેથી મેળવશે

રાજકોટ, તા. ૨૭ : રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ બાદ આજે બપોરે ૧૨ વાગ્યાથી કલેકટર કચેરી ખાતે કોર કમીટીની મીટીંગ શરૂ થઈ છે. રાજકોટના કોરોના સંદર્ભે જિલ્લાના નોડલ ઓફીસર શ્રી ડો.રાહુલ ગુપ્તા પણ રાજકોટ આવી પહોંચ્યા છે.

તેમની હાજરીમાં કલેકટરશ્રી રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ઉદીત અગ્રવાલ, ડીડીઓ શ્રી રાણાવસીયા, એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડ્યા વગેરે દ્વારા કોવિડ હોસ્પિટલમાં લાગેલી ભયાનક આગ અંગે ચર્ચા વિચારણા થઈ રહી છે. દરમિયાન બપોરે ૩ વાગ્યે આગની ઘટનાની સ્પેશ્યલ તપાસનીશ અધિકારીઓ તરીકે મૂકાયેલા સચિવ એ.કે. રાકેશ બપોરે ૩ વાગ્યે રાજકોટ આવી રહ્યા છે.

તેઓ પોલીસ કમિશ્નર, મ્યુનિસિપલ કમિશ્નર અને કલેકટર પાસેથી વિગતો જાણશે. ઘટનાસ્થળે પણ તેઓ તપાસઅર્થે જનાર છે. તેમની સાથે નોડલ ઓફીસર ડો.રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલ સહિતના અધિકારીઓ સાથે જનાર છે અને આગ અંગેની ઘટના કયા કારણસર આગ લાગી પેનીકને કારણે ઝડપથી પગલા ન લઈ શકાયા વગેરે બાબતે તપાસ શરૂ કરશે.

શ્રી એ.કે. રાકેશ રાજકોટમાં ત્રણ દિવસ રોકાનાર છે. સોમવારે તેઓ સરકારને રિપોર્ટ આપે તેવી શકયતા છે. તેઓ બપોર બાદ સાંજના સમયે કલેકટર કચેરી ખાતે મીટીંગ કરે તેવી શકયતા પણ ઉચ્ચ વર્તુળો રાખી રહ્યા છે.

(12:53 pm IST)