Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

સંજયભાઇએ બહેનને રાતે વિડીયો કોલ કરી કહ્યું-થેપલા ખાવ છું, જમવાનું બહુ ખાસ નથી

પ્રહલાદ પ્લોટમાં રહેતાં કડીયા પ્રોૈઢ ઠક્કર કોલેજના નિવૃત કલાર્ક અને મહિલા એડવોકેટના ભાઇ હતાં: એક ભાઇ અખબાર વિતરક : રાતે પડોશમાં રહેતાં ઉદય કોવિડના કમ્પાઉન્ડર મારફત ઘટનાની જાણ થઇ

પાંચ હતભાગી મૃતકોમાં પ્રહલાદ પ્લોટ-૪૧માં રહેતાં સંજયભાઇ અમૃતલાલ રાઠોડ (કડીયા) (ઉ.વ.૫૭)ને ગયા સોમવારે કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. તેઓ ઠક્કર કોલેજમાં કલાર્ક હતાં અને હાલમાં નિવૃત જીવન જીવતાં હતાં. તેઓ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા તથા અપરિણીત હતાં. તેમના બહેન સુધાબેન એડવોકેટ અને નોટરી છે. જ્યારે  બીજા ભાઇનું નામ નિલેષભાઇ તથા પંકજભાઇ છે. પંકજભાઇ અખબાર વિતરક છે.

બહેન સુધાબેને અકિલાને જણાવ્યું હતું કે રાતે સાઠા આઠેક વાગ્યે તો સંજયભાઇએ મારી સાથે વિડીયો કોલથી વાત કરી હતી. પોતે થેપલા ખાઇ રહ્યા છે તેમ જણાવી અહિનું જમવાનું બરાબર નહિ હોવાનું પણ કહ્યુ઼ હતું. તેમજ સવારે બહુ વધુ નાસ્તો ન લાવતાં તેવી વાત કરી હતી. એ પછી હું ઘરે જઇ ઉંઘી ગઇ હતી.  અમારા પડોશમાં જ ઉદય કોવિડના કમ્પાઉન્ડર ધર્મેશભાઇ રહે છે. તેણે અમને મોડી રાતે ઉદય કોવિડમાં આગ લાગ્યાની જાણ કરતાં અમે દોડી ગયા હતાં ત્યારે અમારા ભાઇ સંજયભાઇ પણ આ આગની લપેટમાં ભડથું થઇ ગયાની જાણ થઇ હતી. ઘટનાથી રાઠોડ પરિવારજનો ગમગીનીમાં ગરક થઇ ગયા હતાં. તેમણે અત્યાર સુધીમાં એક લાખ ઉપરની ફી ભરીદીધી હતી.

(12:24 pm IST)