Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

જસદણના નિવૃત એએસઆઇ રામશીભાઇ લોહ ૧૮મીએ દાખલ થયા'તાઃ ગઇકાલે પુત્ર અમિત રૂબરૂ મળ્યો હતો

આજે આઇસીયુમાંથી નોન કોવિડમાં ટ્રાન્સફર કરવાના હતાં પણ...: મૃતક પાંચ ભાઇ અને ચાર બહેનમાં બીજા હતાં : પુત્ર ૧૦૮માં પાઇલોટ તરીકે ફરજ બજાવે છે

આગમાં મૃત્યુ પામનારા પૈકીના એક દર્દી જસદણ અર્જુન પાર્કના રામશીભાઇ મોતીભાઇ લોહ (રબારી) (ઉ.વ.૬૨) પાંચ ભાઇ અને ચાર બહેનમાં બીજા હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અમિતભાઇ અને બે દિકરી છે. અમિતભાઇ ૧૦૮માં પાઇલોટ  તરીકે ફરજ બજાવે છે. તેમણે 'અકિલા'ને કહ્યું હતું કે-બાપુજની ૧૮મીએ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં અમે ઉદય કોવિડમાં દાખલ કર્યા હતાં. તેઓ રાજકોટ રૂરલ પોલીસના નિવૃત એએસઆઇ હતાં. તેમને આઇસીયુમાં રખાયા હતાં અને ગઇકાલે જ હું પીપીઇ કીટ પહેરીને તેમને મળવા ગયો હતો. આજે તો અમે તેમને નોન કોવિડમાં ટ્રાન્સફર કરાવવાના હતાં. તેઓ સાજા થઇ ઘરે આવે તેમની સોૈ રાહ જોઇ રહ્યા હતાં. ત્યાં રાતે દૂર્ઘટનામાં તેઓ અકાળે મૃત્યુને ભેટતાં અમે સોૈ ભાંગી પડ્યા હતાં.  તેમ પુત્ર અમિતભાઇએ જણાવ્યું હતું. હોસ્પિટલની બેદરકારીને કારણે ઘટના બની કે કેમ? તે અંગે તેઓએ કહ્યું હતું કે કદાચ હોઇ શકે. પણ પોલીસ તપાસ બાદ સાચી વિગતો સામે આવશે.

(12:20 pm IST)