Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

નિષ્ઠુર તંત્ર.... હોસ્પિટલમાં આગની તાજેતરની આ ચોથી ઘટનાઃ તંત્રએ તેમાંથી કોઇ બોધપાઠ લીધો નથી

અમદાવાદ,તા. ૨૭: રાજયમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે ત્યારે ગુજરાતમાં હોસ્પિટલમાં આગની તાજેતરની આ ચોથી ઘટના છે. અગાઉ ત્રણ ઘટના બની ગઇ હોવા છતા તંત્રએ તેમાંથી કોઇ બોધપાઠ લીધો નથી. અગાઉ છ ઓગસ્ટે અમદાવાદના નવરંગપુરામા આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા આઠ દર્દીના મોત થયા હતા. જેમાં પાંચ પુરૂષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.

ત્યાર પછી રપ ઓગસ્ટે જામનગરની જી જી હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. એ વખતે આઇસીયુમાં ૯ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જો કે સમયસરની કાર્યવાહીને કારણે તમામ દર્દીઓના જીવ બચ્યા હતા. આ બે ઘટના બાદ સપ્ટેમ્બર મહિનામાં  વડોદરાની એસએસજી હોસ્પિટલના આઇસીયુ બે વોર્ડમાં આગ લાગી હતી. આગમાં પણ તમામ દર્દીઓનો ચમત્કારીક બચાવો થયો હતો. પરંતુ દોઢસો જેટલા દર્દીઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો.

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં વીતી મધરાતે લાગેલી ભીષણ આગમાં છ દર્દીના કરુણ મોત થયા છે. હોસ્પિટલના બીજા મળો મશીનરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન છે. આ આગ જોતજોતામાં આખા આઇસીયુ વોર્ડમા પ્રસરી હતી. જેમાં એક પછી એક છ દર્દી જીવતા ભડથુ થયાની કરૂણ ઘટના બની છે.

હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં ૧૧ દર્દીઓ દાખલ હતા. જેમાંથી છના મોત થયા છે. મૃતકોમાં રામસિંહ ભાઇ.. નીતિનભાઇ બદાણી.. રસિકલાલ અગ્રવાત.. સંજય રાઠોડ. કેશુ અકબરી અને કિશોરભાઇનો સમાવેશ થાય છે.

મધરાતે અંદાજે સાડા બાર વાગ્યાના અરસામાં ફાયર બ્રિગેડને આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયર બ્રિગેડ પહોંચે અને આગને કાબૂમાં લે તે પહેલા આઇસીયુ વોર્ડ ઝપેટમાં આવી ગયો હતો. ફાયર બિગ્રેડે આગ પર નિયંત્રણ તો મેળવ્યુ પરંતુ તે દરમિયાન છ કોરોનાના દર્દીઓના જીવતા ભડથુ થઇ જતા મોત થયા હતા.

ઘટનાની જાણ થતા કલેકટર.. પોલીસ કમિશનર સહિતનો કાફલો મધરાતે હોસ્પિટલ પહોંચ્યો હતો. મહત્વનુ છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં જ ઉદય શિવાનંદ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવી હતી.

(9:31 am IST)