Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ખાનગી ક્ષેત્રના સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને એમ્‍પ્‍લોયી પેન્‍શન ફંડ હેઠળ દર મહિને રૂ..5 હજારનું પેન્‍શન આપવાની તૈયારીઃ કાલે કેન્‍દ્ર સરકારની બેઠકમાં નિર્ણય

નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રના સંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા કર્મચારીઓને પણ નિવૃત્તિ પછી માસિક પેન્શનનો લાભ મળી શકે તે માટે એમ્પ્લોયી પેન્શન સ્કીમ 1995 (ઇપીએસ)નો પ્રારંભ કરવામાં આવ્યો. ઇપીએફ સ્કીમ 1952 હેઠળ માલિક દ્વારા કર્મચારીને ઇપીએફમાં રોકવામાં આવતા 12 ટકાના ફાળામાંથી 8.33 ટકા ઇપીએસમાં જાય છે. 58 વર્ષની ઉંમર પછી કર્મચારીને ઇપીએસના આ નાણામાંથી માસિક પેન્શનનો લાભ મળે છે.

ઇપીએફઓનું પેન્શન 5,000 રૂપિયા થઈ શકે

ઇપીએફઓના કાર્યક્ષેત્રમાં આવતી ખાનગી ક્ષેત્રની કંપનીઓ પોતાના કર્મચારીને ઇપીએફ (એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ)નો લાભ પૂરો પાડવાનો હોય છે. ઇપીએફમાં માલિક અને કર્મચારી બંનેનું પ્રદાન મૂળભૂત વેતન પ્લસ ડીએના 12-12 ટકા હોય છે. માલિકના 12 ટકા ફાળામાંથી 8.33 ટકા ફાળો એમ્પ્લોયી પેન્શન સ્કીમ (ઇપીએસ)માં જાય છે.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પ્રોવિડન્ટ ફંડ (પીએફ) પર વ્યાજ આપવા અને એમ્પ્લોયી પેન્શન ફંડ (ઇપીએસ) હેઠળ (EPS Pension)પ્રતિ માસ 5,000 રૂપિયાનું પેન્શન કરવાની તૈયારી ચાલી રહી છે. આ મામલા પર વિચારવિમર્શ કરવા માટે આ સપ્તાહે લેબર પેનલ મોટાપાયા પર ચર્ચા કરશે.

28મી ઓક્ટોબરે બુધવારે પેન્શન માટે નિર્ણય થશે

આ માટેની મહત્ત્વની બેઠક 28મી ઓક્ટોબરના બુધવારના રોજ થશે. બેઠકમાં પેનલના ઇપીએફઓ હેઠળના ભંડોળ દસ અબજ રૂપિયાના મેનેજમેન્ટ, પર્ફોર્મન્સ અને રોકાણ પર મંથન કરશે. આ પેનલની રચના છેલ્લા બે મહિનામાં જ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ઇપીએફઓ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારાઓ માટે કેવી રીતે વધુને વધુ ફાયદાકારક બનાવવામાં આવે તેના પર પણ પેનલ વિચાર કરશે.

ઘણા સમયથી ઇપીએફઓના ભંડોળને ફંડ મેનેજરો જોઈ રહ્યા છે. હવે તેની સાથે રોકાણ સાથે જોડાયેલા નિર્ણયો પણ તે જ લે છે. આવામાં પેનલ આ બાબતની સમીક્ષા કરશે. પેનલના સભ્ય કોના વાઇરસ અને લોકડાઉનના લીધે ઇપીએફઓ ભંડોળ પર પડેલા પ્રભાવની સમીક્ષા પણ કરશે.

લાંબા સમયથી લઘુત્તમ પેન્શન વધારવાની માંગ

સૂત્રોના જણાવ્યા મુજબ પીએફ ભંડોળ માટે રચાયેલી પેનલની બુધવારે યોજાનારી બેઠકમાં કર્મચારીઓની પેન્શન યોજના (ઇપીએસ)ની હેઠળ પેન્શન વધારવા અને ખાતાધારકના મૃત્યુના કેસમાં તેના કુટુંબને મળતી રકમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર પણ ચર્ચા થશે. ઇપીએસ યોજના હેઠળ લઘુત્તમ પેન્શન વધારીને 5,000 રૂપિયા પ્રતિ માસ કરવા પણ વિચાર થશે. કેટલાય ટ્રેડ યુનિયન અને મજૂર સંગઠનો છેલ્લા કેટલાક સમયથી પેન્શનની રકમ વધારવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારનો હેતુ અસંગઠિત ક્ષેત્રના મજૂરોની વૃદ્ધાવસ્થાની સુરક્ષા અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનો છે.

પેનલ વિસ્તૃત અહેવાલ શિયાળુ સત્રમાં સંસદને સોંપશે

ઇપીએફ ભંડોળ પર પેનલ ઘણી બેઠકોમાં આ મુદ્દા પર ચર્ચા કરશે અને પોતાની વિસ્તૃત અહેવાલ સંસદના શિયાળુ સત્રમાં સોંપશે. પેનલના સભ્યોએ શ્રમ મંત્રાલયના પ્રતિનિધિઓને બીજા દેશોમાં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટે કરવામાં આવેલી જોગવાઈઓની પણ વિગતોની પણ રજૂઆત કરી છે.

આ સિવાય પીએફ પર વ્યાજ વધી શકે છે. ઇપીએફએ વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજ નક્કી કર્યુ છે. આ વ્યાજ છેલ્લા પાંચ વર્ષમાં ઓછામાં ઓછું વ્યાજ છે. આવામાં તેમા પણ વધારવાની તૈયારી છે. જો પેનલ પોતાના અહેવાલમાં વધારે રિટર્ન આપનાર જગ્યાએ રોકાણ કરે છે તો તેનો ફાયદો તેને મળશે. આગામી નાણાકીય વર્ષમાં વધારે વ્યાજ અપાવવું તે પેનલની જવાબદારી હશે. નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજદર ડિસેમ્બર કે જાન્યુઆરીમાં નક્કી થશે. તેના પહેલા આ પેનલની ભલામણોના આધારે તેને નક્કી કરવામાં આવી શકે છે.

(5:13 pm IST)