Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મહાકાલ કોરિડોર 'શ્રી મહાકાલ લોક' તરીકે ઓળખાશે, શિવરાજસિંહની મોટી જાહેરાત

મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહે જણાવ્યું હતું કે લોકાર્પણ પ્રસંગે પ્રવૃત્તિઓ ૫ ઓક્ટોબરથી શરૂ થશે, જે ૧૧ ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા મહાકાલ પ્રોજેક્ટના લોકાર્પણ સાથે પૂર્ણ થશે. તેમણે કહેલ કે મહાકાલ કોરિડોર 'શ્રી મહાકાલ લોક' તરીકે ઓળખાશે.

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા મહાકાલ કેમ્પસ વિસ્તરણ પ્રોજેક્ટનું લોકાર્પણ એ રાજ્યની જનતાનો કાર્યક્રમ છે.  રાજ્યના લોકો અને ખાસ કરીને ઉજ્જૈનના રહેવાસીઓ આ કાર્યક્રમની બાગડોર સંભાળશે.  ઉજ્જૈનમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મોટી જાહેરાત કરતા શિવરાજે કહ્યું કે મહાકાલ કોરિડોર હવે 'શ્રી મહાકાલ લોક' તરીકે ઓળખાશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લોકાર્પણ પ્રસંગે ઉજ્જૈનવાસીઓ દરેક ઘર અને દુકાનમાં રંગોળી અને શણગાર કરશે. બહારથી આવતા મહેમાનો ઉજ્જૈનની સરહદ શરૂ થતાં જ ઉત્સાહ, ઉલ્લાસ અને ભક્તિથી ભરેલા શિવમય વાતાવરણનો અનુભવ કરશે.

સીએમ શિવરાજે કહ્યું કે વિવિધ સામાજિક સંસ્થાઓ ભોજન, ભંડારા વગેરેનું આયોજન કરશે.  મુલાકાતીઓ માટે પીવાના પાણી, પાર્કિંગ, રહેવાની વ્યવસ્થા અને ઈમરજન્સી સારવાર વગેરે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ તેમની સેવાઓ પૂરી પાડશે.  દેશના અલગ-અલગ પ્રદેશોની ડાન્સ ટીમો ઉજ્જૈનમાં અલગ-અલગ સ્થળોએ તેમનું પર્ફોર્મન્સ આપશે.  

ચૌહાણે જણાવ્યું હતું કે, મહાકાલની સવારી સંપૂર્ણ ગૌરવ અને ભવ્યતા સાથે કાઢવામાં આવશે, ધર્મસ્થાનોમાં કીર્તન, ભજન અને સુંદરકાંડના પાઠ થશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે પંડિત સુખદેવ ચતુર્વેદી દ્વારા શ્લોક રજૂ કરવામાં આવશે.  આ સાથે ક્ષિપ્રા આરતી, સંત-સમાગમ અને સંતોનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે.  યુનિવર્સિટીઓમાં ધર્મ અને સંસ્કૃતિના વિવિધ પાસાઓ પર સેમિનાર પણ યોજાશે.  કેબિનેટની બેઠકમાં એરસ્ટ્રીપનું વિસ્તરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.  આ સાથે ક્ષિપરા નદીને બારેય મહિના વહેતી કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

(9:52 pm IST)