Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સેન્સેક્સમાં ૩૮ અને નિફ્ટીમાં ૯ પોઈન્ટનો ઘટાડો થયો

શેરબજારમાં અસ્થિર કારોબાર જોવા મળ્યો : પ્રારંભિક ટ્રેડિંગ સેશનની ગતિ પછીના સત્રમાં નબળી પડી હોવા છતાં, કોઈપણ સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો ન હતો

મુંબઈ, તા.૨૭ : શેરબજાર બંધ સતત ચાર સેશનમાં ઘટાડા બાદ મંગળવારે શેરબજારની સ્થિતિ થોડી સારી રહી હતી. પ્રારંભિક ટ્રેડિંગ સેશનની ગતિ પછીના સત્રમાં નબળી પડી હોવા છતાં, કોઈપણ સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો ન હતો. મંગળવારે શેરબજારમાં અસ્થિર કારોબાર જોવા મળ્યો હતો. શરૃઆતના સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં થયેલો ફાયદો પછીના સત્રમાં અદૃશ્ય થઈ ગયો અને બજારમાં વેચવાલી તેજ થઈ. બંધ બેલ પર, સેન્સેક્સ ૩૭.૭૦ પોઈન્ટ અથવા ૦.૦૭% ઘટીને ૫૭,૧૦૭.૫૨ પર અને નિફ્ટી ૮.૯૦ પોઈન્ટ અથવા ૦.૦૫% ઘટીને ૧૭,૦૦૭.૪૦ પર બંધ રહ્યો હતો.

મંગળવારે સવારે સકારાત્મક શરૃઆત પછી, ૩૦ શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ શરૃઆતના કારોબારમાં ૪૬૧.૮૨ અંક વધીને ૫૭,૬૦૭.૦૪ પર જ્યારે એનએસઈ નિફ્ટી ૧૪૪.૧૫ અંક વધીને ૧૭,૧૬૦.૪૫ પર ખુલ્યો હતો.

નિફ્ટીમાં સિપ્લા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન અને શ્રી સિમેન્ટ્સ ટોપ ગેઇનર હતા. હીરો મોટોકોર્પ, અદાણી પોર્ટ્સ, ટાઇટન કંપની, ટાટા સ્ટીલ અને કોટક મહિન્દ્રા બેક્નના શેરો ઘટ્યા હતા. સેન્સેક્સ પેકમાં ટાટા સ્ટીલ સૌથી વધુ ૨.૨૫ ટકા ઘટ્યો હતો. તે પછી ટાઇટન, એસબીઆઈ, કોટક બેંક, ટેક મહિન્દ્રા, આસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી અને એચડીએફસી બેંકનો નંબર આવે છે. પાવરગ્રીડ, ઈન્ડસઈન્ડ બેંક, ડૉ. રેડ્ડીઝ, એચસીએલ ટેક અને નેસ્લે ઈન્ડિયાના શેરમાં વધારો થયો હતો.

સેન્સેક્સના ઘટકોમાંથી ૧૮ શેરો ઘટીને બંધ થયા હતા, જ્યારે ૧૨ શેરો લીલા નિશાનમાં બંધ થયા હતા. એશિયામાં, હોંગકોંગ, ટોક્યો, સિયોલમાં શેર સકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા છે. મધ્ય-સત્રના સોદામાં યુરોપમાં સ્ટોક એક્સચેન્જો મિશ્ર નોંધ પર ટ્રેડ થઈ રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૭૮ ટકા વધીને બેરલ દીઠ ૮૫.૫૬ ડોલર પર પહોંચ્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એપઆઈઆઈ) કેપિટલ માર્કેટમાં ચોખ્ખા વેચાણકર્તા હતા, તેમણે સોમવારે રૃ. ૫,૧૦૧.૩૦ કરોડના શેરનું વેચાણ કર્યું હતું, એમ સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર જાણવા મળ્યું હતું.

કેપિટલ ગુડ્સ, પાવર, ઓટો, મેટલ અને ફાઇનાન્શિયલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે ફાર્મા, ઓઇલ એન્ડ ગેસ, એફએમસીજી અને આઇટીમાં ખરીદી જોવા મળી હતી. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ ફ્લેટ નોટ પર બંધ થયો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫ ટકા વધ્યો હતો.

યુએસ ડોલર સામે રૃપિયો ૯ પૈસા વધીને ૮૧.૫૮ (કામચલાઉ) પર પહોંચ્યો હતો. ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં ગ્રીનબેક સામે રૃપિયો ૮૧.૪૫ પર ખુલ્યો હતો. તે સત્ર દરમિયાન ઇન્ટ્રા-ડે હાઇ ૮૧.૩૦ અને નીચા ૮૧.૬૪ જોવા મળ્યો હતો. તે છેલ્લે તેના પાછલા બંધ કરતાં ૯ પૈસા વધીને ૮૧.૫૮ પર બંધ રહ્યો હતો.

(7:32 pm IST)