Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

લીંબુ શરબત, ORSનું સેવન અને મચ્‍છર ન કરડે તેનું ધ્‍યાન રાખવું

ગરબા રમતા પરસેવા રૂપે ૫૦૦ થી ૭૦૦ ML પાણી વધુ નીકળે : પેટ ભરીને ખોરાક લઇ ગરબા ન રમો : ઇન્‍ટરવલમાં થોડા સમય પછી નાસ્‍તો કરવો

નવી દિલ્‍હી,તા. ૨૭ : નવરાત્રીમાં ખેલૈયાઓ માતાજીની નૃત્‍યમય આરાધના કરતી વેળા કેટલીક કાળજી લેતો તેઓની આ આરાધનામાં કોઇ વિક્ષેપના આવે તેમજ સ્‍ફૂર્તીથી ૯ દિવસ તેઓ આરાધના કરી શકે છે.

ખેલૈયાઓ નવરાત્રીના નવ દિવસની આ નૃત્‍યમય આરાધના માટે ગરબા ગ્રાઉન્‍ડ ઉપર ઉતરે ત્‍યારે કેટલીક કાળજી લેવી અનિવાર્ય હોવાનું ફિઝીશ્‍યન ડો.સંદિપ શાહે જણાવતા ઉમેર્યું હતુ કે ગરબા રમવા જાવ ત્‍યારે પેટ ભરીને ખોરાક લઇને ના જાવ. ગરબા ગ્રાઉન્‍ડમાં પેટ ભરીને જમીને ઉતરવાથી ખેલૈયાને પેટમાં ગરબડ થઇ શકે છે. આ માટે થોડા થોડા અંતરાલ વચ્‍ચે લાઇટ ખોરાક લેવો હિતાવહ છે. આ ઉપરાંત ગરબામાં ઇન્‍ટરવલ સમયે તુર્તજ નાસ્‍તો કરવાનું શરૂ કરી ના દેશો થોડા સમય રાહ જોયા પછી નાસ્‍તો કરવો હિતાવહ છે. સામાન્‍ય રીતે દિવસ દરમ્‍યાન વ્‍યકિતના શરીરમાંથી ૧૦૦૦ ML પાણી પરસેવા વાટે વહી જાય છે. તે સાથે સોડીયમ પોટેશ્‍યમ જેવા ક્ષાર પણ શરીરમાંથી પરસેવા સાથે વહી જાય છે. આથી ગરબા રમતા ખેલૈયાઓના શરીરમાંથી ૫૦૦ થી ૭૦૦ ML પાણી વધુ વહી જાય છે એટલે કે ૧૫૦૦થી ૧૭૦૦ ML પાણી પરસેવા વાટે વહી જાય છે. આથી ખેલૈયાઓએ લીંબુ શરબત (ખાંડ, મીંઠુ નાખેલુ) સમયાંતરે લેવું જોઇએ. અથવા તો ઓઆરએસ પણ લઇ શકાય. આથી થાક જેવું લાગે નહીં અને સ્‍ફૂર્તીથી ગરબા રમી શકાશે ગરબા રમ્‍યા પછી પુરતી ઉંઘ લેવી જરૂરી છે. સાત કલાક મિનિમમ ઉંઘ લેવી ખેલૈયાઓ માટે સારૂં છે.

આ સમયગાળા દરમિયાન ખાસ લેવી પડતી કાળજીમાં ગરબા રમવા જાવ ત્‍યારે મચ્‍છરથી બચવા માટે શરીર ઉપર એન્‍ટી મોસકયુટો ક્રીમ લગાવી દેવી જોઇએ.

(10:19 am IST)