Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ચક્રવાતી તોફાન 'ગુલાબ' ને કારણે મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી: 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

વિદર્ભથી કોંકણ સુધી તમામ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી

મુંબઈ : ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા વિદર્ભ, મરાઠાવાડા સહિત 11 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારથી જ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. આગાહી મુજબ રાજ્યમાં 27-28 સપ્ટેમ્બરના રોજ મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, ધુલે, જલગાંવ, નાસિક, પુણે, સતારા, ઓરંગાબાદ, લાતુર, નાંદેડ, હિંગોલી, યવતમાલ, ગઢચિરોલી, ચંદ્રપુર વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે આ ચક્રવાતી તોફાન જોવા મળી રહ્યુ છે.પાકિસ્તાને આ ચક્રવાતને ‘ગુલાબ’ નામ આપ્યું છે. આ વાવાઝોડું ઓડિશાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમમાં 26 સપ્ટેમ્બરના રોજ ત્રાટક્યું હતું. ચક્રવાત ગુલાબ પૂર્વીય દરિયાકિનારે ઘણી તબાહી થઈ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.આ વાવાઝોડાની સીધી અસર મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. વિદર્ભથી કોંકણ સુધી તમામ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

 

27 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહીના પગલે મહારાષ્ટ્રના 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પુણે, નાસિક, સતારા, રાયગઢ, રત્નાગીરી, લાતુર, પરભણી, હિંગોલી, નાંદેડ, યવતમાલ, ગઢચિરોલીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rain) થવાની શક્યતા છે.

જ્યારે 28 સપ્ટેમ્બરે થાણે, (Thane) પાલઘર, રાયગઢ, ધુલે, જલગાંવ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદ સાથે, જોરદાર પવન પણ ફૂંકાશે.

 

(1:38 pm IST)