Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

રાજસ્થાનમાં શિક્ષક ભરતીમાં અનામત મુદ્દે ચોથા દિવસે હિંસા

હિંસક અથડામણમાં એકનું મોત : પ્રદર્શનકારીએ ખેરવાડાના પહાડો પર કબ્જો જમાવી લીધો

ડુંગરપુર, તા. ૨૭ : રાજસ્થાનમાં શિક્ષક ભરતીમાં બિનઅનામત સીટ ઉપર એસટી ઉમેદવારોની નિમણૂંકના નિર્ણયને કારણે ચોથા દિવસે પણ હિંસા જારી રહી હતી. પ્રદર્શનકારીઓએ ઉદયપુરના ખેરવાડાના પહાડો ઉપર કબજો કરી લીધો હતો. ખેરવાડામાં થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે. પ્રદર્શનકારીઓએ જાહેર સંપતિઓને નુકસાન પહોંચાડ્યું છે અને આગજની પણ કરી છે. રાજસ્થાન પોલીસ સ્થિતિને નિયંત્રણ કરવાના સતત પ્રયત્ન કરી રહી છે. આ બધા વચ્ચે રાજસ્થાન સરકારે કેન્દ્ર સરકાર પાસેથી રેપિડ એક્શન ફોર્સની માંગ કરી છે. તો બીજી તરફ અધિકારીઓ આદિવાસીઓ સાથે બેઠક કરી રહ્યા છે. ગુરુવારે શિક્ષકોની ભરતી પરીક્ષા ૨૦૧૮ના ઉમેદવારોએ ઉદયપુર-અમદાવાદ હાઇવેને જામ કર્યો હતો. પોલિસ ઉપર પથ્થરો ફેંક્યા, સપંતિઓને પણ નુકસાન પહોંચાડ્યું. ત્યારબાદ આ વિસ્તારમાં હિંસા ભડકી ઉઠી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે શાંતિપૂર્ણ પ્રદર્શનની અપીલ કરી છે. ડૂંગરપુર જિલ્લામાં સ્થિતિ અત્યારે પણ તણાવપૂર્ણ છે. અત્યાર સુધીમાં પ્રદર્શનકારીઓએ અનેક હોટેલોમાં આગ લગાવી છે અને દુકાનોમાં લૂટફાટ પણ કરી છે.

અત્યાર સુધીમાં પોલીસે ૩૩૦૦ લોકો સામે ફરિયાદ નોંધી છે. સંપતિની તોડફોડ, આગજની, હાઇવે ચક્કાજામ વગેરે આરોપ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. અત્યાર સુધીમાં પોલીસે ૩૪ લોકોની ધરપકડ કરી છે. માત્ર બે દિવસની અંદર જ પ્રદર્શનકારીઓએ કરોડોની સંપતિને નુકસાન પહોંચાડ્યું છે.

(9:21 pm IST)