Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

ABPનો સર્વે

બિહારમાં ફરી એક વખત નીતીશ સરકારઃ ૧૪૧ થી ૧૬૧ બેઠકો

યૂપીએના ખાતામાં ૬૪થી ૮૪ બેઠકો આવી શકે છે અને અન્યના ખાતામાં ૧૩થી લઈને ૨૩ બેઠકો મળવાની શકયતા છે

નવી દિલ્હી, તા.૨૬: એબીપી ન્યૂઝ સી વોટર સર્વેમાં બિહારમાં ફરી એક વખત નીતીશ કુમારની સરકાર બનવાની શકયતા છે. ચાર વિસ્તારોના પરિણામમાં એનડીએને બમ્પર જીત મળતી જોવા મળી રહી છે.

બિહાર વિધાનસભાની ૨૪૩ બેઠકોમાં ૧૪૧થી ૧૬૧ બેઠકો એનડીએના ખાતામાં જતી જોવા મળી રહી છે. યૂપીએના ખાતામાં ૬૪થી ૮૪ બેઠકો આવી શકે છે અને અન્યના ખાતામાં ૧૩થી લઈને ૨૩ બેઠકો મળવાની શકયતા છે.

૨૦૧૫માં એનડીએને ૩૦.૪% અને યૂપીએને ૪૬.૭% મત મળ્યા હતા પરંતુ ૨૦૨૦માં એનડીએનો વોટ શેર ૪૪.૩% જયારે યૂપીએનો ૩૪.૪% રહેવાની આશા છે.

મિથિલાંચલની ૫૦ બેઠકોમાંથી એનડીએને ૨૭-૩૧ બેઠકો મળી શકે છે. આ વિસ્તારમાં પણ મહાગઠબંધનને મોટું નુકસાન થાય તેમ જોવા મળી રહ્યું છે.

સીમાંચલની ૨૪ બેઠકોમાંથી એનડીએને ૧૮ બેઠકો મળવાની શકયતા છે. આ ક્ષેત્રમાં લાલૂ યાદવની પાર્ટી આરજેડીને ખૂબ જ મોટું નુકસાન થવાની શકયતા છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ ગઈ છે. ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં ૨૮ ઓકટોબરે ૭૧ બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં ૩ નવેમ્બરે ૯૪ બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં ૭ નવેમ્બરે ૭૮ બેઠકો પર મતદાન યોજાશે. ૧૦ નવેમ્બરે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે.

(12:00 am IST)