Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ગુજરાત કેડરના આઈપીએસ શ્રી રાકેશ અસ્થાના બન્યા દિલ્હીના પોલીસ કમિશનર : નિવૃતિ પહેલા મોદી સરકારે શ્રી આસ્થાનાને આપી મોટી ભેટ

હાલમાં તેઓ બીએસએફના ડીજી તરીકે સેવા બજાવે છે : કાલે દિલ્હી પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળશે

રાજકોટઃ ગુજરાત કેડરના આઈપીએસ શ્રી રાકેશ અસ્થાના દિલ્હીનાં પોલીસ કમિશનર બનતા ગુજરાત પોલીસનું ગૌરવ વધ્યું છે. ચાલુ માસના અંતે શ્રી અસ્થાના નિવૃત થવાના હતાં. નિવૃતિ પહેલા મોદી સરકારની મોટી ભેટ મળી છે.

ગુજકાત કેડરના વધુ એક અધિકારી કેન્દ્રમાં ટોચના સ્થાને બિરાજમાન થયા છે. શ્રી અસ્થાના 1984 બેચના આઈપીએસ છે. હાલમાં બીએસએફના ડીજી તરીકે સેવા બજાવે છે. કાલે દિલ્હી પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળશે.

આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાએ ઝારખંડની નેતરહટ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અસ્થાનાના પિતા હરે કૃષ્ણ અસ્થાના શિક્ષક હતા અને તે પણ નેતરહટ સ્કૂલમાં, આસ્થાના 1984 બેચના આઈપીએસ અધિકારી છે. મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી, અસ્થાનાએ રાંચીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યો. આઈપીએસમાં પસંદગી બાદ, ગુજરાત કેડર મળ્યો. સંયુક્ત બિહારમાં ઘાસચારા કૌભાંડથી સંબંધિત કેસની તપાસમાં પણ રાકેશ અસ્થાનાની મહત્વની ભૂમિકા હતી.

રાકેશ અસ્થાના જયારે સીબીઆઈ એસપી હતા ત્યારે ચારા કૌભાંડની તપાસ તેમના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. સીબીઆઇમાં હતા ત્યારે તત્કાલિન ડિરેક્ટર આલોક વર્મા સાથેના વિવાદ બાદ રાકેશ અસ્થાના ચર્ચામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની સીબીઆઈમાંથી બદલી કરવામાં આવી હતી. રાકેશ અસ્થાના ડીજી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના વધારાના હવાલામાં પણ છે.

(10:31 pm IST)