Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

રવિ પાર્કમાં ઘરમાં ઘુસી સગર્ભા સરિતા ચાવડાને પૂર્વ પતિ યુપીના અશોક મોૈર્યએ ગોળી ધરબી પતાવી દીધીઃ હત્યારો ઝડપાયો

કાલાવડ રોડ પર પ્રેમ મંદિર નજીક બનાવઃ પૈસાની લેતીદેતીના મામલે ભરબપોરે ઘટનાઃ ત્રણ મહિના પહેલા પણ માથાકુટ કરી ગયો હતોઃ જાગૃત યુવાન અને પોલીસની સતર્કતાના કારણે ગણતરીની મિનીટોમાં હત્યારો હાથમાં આવી ગયો : ડીસીપી મનોહરસિંહ જાડેજા-એસીપી પી. કે. દિયોરા-એસીપી ડી. વી. બસીયા, પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા અને ક્રાઇમ બ્રાંચ, યુનિવર્સિટી પોલીસની ટીમોએ પહોંચી તપાસ આદરીઃ મુળ જુનાગઢના પ્રજાપતિ પંકજ ચાવડા સાથે મુળ યુપી રાણીગંજની સરિતાએ લગ્ન કર્યા હતાં: બ્યુટી પાર્લર ચલાવતી હતીઃ હત્યારો ગોરખપુરનો રહેવાસી

ભરબપોરે ગોળી ધરબી હત્યાઃ શહેરના રવિ પાર્કમાં રહેતી સગર્ભા સરતિા પંકજ ચાવડાને તેના યુપીના પૂર્વ પતિ અશોક મોૈર્યએ બપોરે ઘરમાં ઘુસી તમંચાથી ભડાકે દઇ દીધી હતી. પ્રથમ તસ્વીરમાં રવિ પાર્કનું ઘટના સ્થળ, ઘરમાં સગર્ભા સરિતાનો મૃતદેહ, તમંચો, સરિતાનો ફાઇલ ફોટો અને નીચેની તસ્વીરમાં ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા, એસીપી પી. કે. દિયોરા, પોલીસ સ્ટાફ, પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા સહિતની ટીમ જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૭: શહેરના કાલાવડ રોડ પ્રેમ મંદિર પાસે વિમલનગર રોડ રવિ પાર્ક-૧૦માં ભરબપોરે એક સગર્ભાને ઘરમાં ઘુસી ઉત્તરપ્રદેશના તેના પુર્વ પ્રેમીએ ગોળી ધરબી મોતને ઘાટ ઉતારી દેતાં હાહાકાર મચી ગયો છે. જાગૃત યુવાન અને સતર્ક પોલીસ તંત્રને કારણે માધાપર ચોકડી નજીકથી હત્યારાને ગણતરીન મિનીટોમાં દબોચી લેવાયો હતો. ઘટનાની જાણ થતાં ડીસીપી ઝોન-૨શ્રી મનોહરસિંહ જાડેજા  અને અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને બનાવનો તાગ મેળવ્યો હતો. હત્યાનો ભોગ બનનાર મુળ યુપીની હતી. હત્યારો પણ યુપીનો વતની અને મરનારનો પુર્વ પતિ-પ્રેમી હોવાનું તેમજ પૈસાની લેતીદેતી મામલે હત્યા થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

ચકચાર મચાવતી આ ઘટનાની વિગતો એવી છે કે બપોરે બે વાગ્યા આસપાસ પ્રેમ મંદિર નજીક રવિ પાર્ક-૧૦માં આવેલા એક મકાનમાં એક શખ્સ ઘુસી ગયો હતો અને આ મકાનમાં પતિ પંકજ ચાવડા સાથે સાથે જમી રહેલી સગર્ભા સરિતા જમી રહી હતી ત્યારે અશોક રામાનુજ મોૈર્ય (ઉ.વ.૨૭-રહે. ગોરખપુર યુપી) આવ્યો હતો. એ સાથે જ સરિતાએ તું શું કામ આવ્યો? પુછતાં તેણે હું કંઇ કરવા નથી આવ્યો તેમ કહ્યું હતું. પતિ પંકજ ઉભો થયો ત્યાં જ અશોક નેફામાંથી તમંચો કાઢી સગર્ભા સરિતાને છાતીમાં એક ગોળી ધરબી દઇ ભાગી ગયો હતો.

આ ઘટનાથી હેબતાઇ ગયેલો પંકજે અશોક પાછળ દોટ મુકી હતી. પણ તે ઘરના દરવાજે જ પડી ગયો હતો. એ પછી અશોક ભાગતો હોઇ તે વખતે જ કૃણાલ ચુડાસમા નામનો યુવાન ત્યાંથી નીકળતાં તેણે ઘટના જાણી હતી અને પોતાની કારથી પીછો કરી પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી. હત્યારો રિક્ષામાં બેસી ગયો હોઇ કૃણાલે રિક્ષાના નંબર પણ પોલીસને આપી દીધા હતાં. આ રીતે પોલીસ અને જાગૃત યુવાનની સતર્કતાને કારણે રિક્ષાનો પીછો કરી પોલીસે માધાપર ચોકડીએથી આરોપી અશોક મોૈર્યને પકડી લીધો હતો.

હત્યાનો ભોગ બનનાર સરિતા મુળ યુપીના રાણીગંજની હતી. તે અગાઉ અશોક મોૈર્યના પિતાની સાડીની દૂકાનમાં કામ કરતી હોઇ અશોક સાથે પ્રેમ થતાં બંનેએ લગ્ન કર્યા હતાં. પરંતુ બાદમાં કંઇપણ બનતાં તે અશોકને છોડી રાજકોટ તરફ આવી ગઇ હતી. અહિ ગયા લોકડાઉનમાં તેની ઓળખાણ મુળ જુનાગઢના પંકજ ચાવડા સાથે થયા બાદ તેની સાથે લગ્ન કર્યા હતાં. અશોકે આમ છતાં રાજકોટ આવ જા ચાલુ રાખી હતી. અગાઉ તેણે સરિતાને કટકે કટકે ત્રણથી ચાર લાખ રૂપિયા આપ્યા હોઇ તેની ઉઘરાણી માટે માથાકુટ ચાલતી હોઇ ત્રણેક મહિના પહેલા પણ તે આવ્યો હતો અને ડખ્ખો થયો હતો. આજે ફરીથી તે તમંચા સાથે આવ્યો હતો અને હત્યા કરી ભાગી ગયો હતો. મૃતકના પેટમાં સાત મહિનાનો ગર્ભ ઉછરી રહ્યાનું તેના સગાએ જણાવ્યું હતું. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા, એસીપી પી. કે. દિયોરા, પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા સહિતના સ્ટાફે અને ક્રાઇમ બ્રાંચે વિશેષ તપાસ હાથ ધરી છે.

રિક્ષા ત્રણ કલાક માટે ભાડે બાંધીને આવ્યો હતોઃ ત્રણ મહિના પહેલા આવ્યો'તો ત્યારે જે રિક્ષા ભાડે કરી હતી એ જ આજે ભાડે કરી

સગર્ભાની હત્યામાં વધુ વિગતો ખુલી

. તપાસમાં બહાર આવ્યું છે કે હત્યારો અશોક મોૈર્ય અગાઉ ત્રણેક મહિના પહેલા પણ પૂર્વ પત્નિ સરિતા પાસે પૈસાની ઉઘરાણી કરવા રાજકોટ આવ્યો હતો. ત્યારે તેણે જે રિક્ષા ભાડે કરી હતી તે વખતે તેના ચાલકના ફોન નંબર લઇ લીધા હતાં. આજે ફરી તે રાજકોટ આવ્યો ત્યારે અગાઉ જે રિક્ષા ભાડે કરી'તી તેના ચાલકના નંબર હોઇ ફોન કરીને બોલાવ્યો હતો અને ત્રણેક કલાક માટે રિક્ષા ભાડે કરી હતી. એ પછી હત્યા સ્થળથી થોડે દૂર રિક્ષા ઉભી રખાવી હતી અને પોતે થોડી જ વારમાં પાછો આવે છે તેમ કહી તે સરિતા પર ગોળીબાર કરી ભાગી આવ્યો હતો અને દૂર ઉભેલી ભાડે બાંધેલી રિક્ષામાં બેસી ભાગ્યો હતો. પરંતુ તેને ભાગવામાં સફળતા મળી નહોતી.

(3:44 pm IST)