Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

આર્મીમાં જવાનોની ૯૦૬૪૦ અને ઓફિસરોની ૭૯૧૨ જગ્યાઓ ખાલી

સેના સૈનિકો અને ઓફિસરોની અછત સામે ઝઝૂમી રહી છે

નવી દિલ્હી, તા.૨૭: ચીન અને પાકિસ્તાન જેવા દેશો સાથે તનાવ અને આતંકીઓનો મુકાબલો કરી રહેલી ભારતીય સેના સૈનિકો અને ઓફિસરોની અછત સામે ઝઝૂમી રહી છે.

રાજયકક્ષાના સંરક્ષણ મંત્રી અજય ભટ્ટે જાણકારી આપતા કહ્યુ છે કે, ભારતીય આર્મીમાં ઓફિસરોની ૭૯૧૨ જગ્યાઓ અને જવાનોની ૯૦૬૪૦ જગ્યાઓ ખાલી છે.

વાયુસેનામાં ૬૧૦ અધિકારીઓ અને ૭૧૦૪ સૈનિકોના પદ ખાલી છે અને આ જ રીતે નૌસેનામાં અધિકારીઓની ૧૧૯૦ જગ્યાઓ તથા સૈનિકોના ૧૧૯૨૭ હોદ્દા ખાલી છે.

અજય ભટ્ટનુ કહેવુ છે કે, સરકાર દ્વારા ખાલી જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી થઈ રહી છે. પ્રચાર-પ્રસાર અને ભરતી મેળા થકી યુવાઓને સંરક્ષણ દળોની ત્રણે પાંખ તરફ આકર્ષવા માટે પ્રયાસો થઈ રહ્યા છે.

તેમણે કહ્યુ હતુ કે, સ્કૂલો-કોલેજો અને બીજી શૈક્ષણિક સંસ્થાઓમાં તથા એનસીસીની શિબિરોમાં મોટિવેશનલ લેકચરોનુ નિયમિત રીતે આયોજન કરવામાં આવી રહ્યુ છે. સરકાર દ્વારા નોકરીને આકર્ષક બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ માટે પ્રમોશનના નિયમોમાં બદલાવ માટે પણ વિચારણા થઈ રહી છે.

(2:49 pm IST)