Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો

પેંગોંગ લેકને અડીને ચીને સૈનિકો તૈનાત કરી રાખ્યા છે

નવી દિલ્હી, તા.૨૭: લદ્દાખ મોરચે ભારત અને ચીન વચ્ચેનો તનાવ ઓછો થઈ રહ્યો નથી. બલ્કે ચીન આ તનાવને વધારી રહ્યુ છે.

ચીને લદ્દાખના પેંગોંગ લેકને અડીને  જ પોતાની સેનાને તૈનાત કરી રાખી હોવાનો ખુલાસો ઓપન ઈન્ટેલિજન્સ સોર્સના એક અહેવાલમાં થયો છે.

આ પહેલા પેંગોંગ લેક વિસ્તારમાં બંને દેશો વચ્ચે સેના પાછળ હટાવવા માટે અને પેટ્રોલિંગ નહીં કરવા માટે સંમતિ સધાઈ હતી. એ પછી ચીને પોતાની સેનાને પેંગોંગ લેકના ફિંગર ચાર વિસ્તારમાંથી હટાવીને ફિંગર આઠની પાછળ તૈનાત કરી દીધી છે. જોકે તાજી તસવીરોમાં દેખાઈ રહ્યુ છે કે, વિવાદાસ્પદ જગ્યાથી નજીકમાં જ ચીની સૈનિક મોજુદ છે.

પેંગોંગ લેકના જે વિસ્તારમાં પેટ્રોલિંગ નહીં કરવા માટે સમાધાન થયુ છે તેનાથી થોડે જ દૂર ચીની સેનાએ બેઝ બનાવ્યુ છે અને અહીંયા ચીને ફ્યુલ ટેન્ક, સૈનિકોના રહેવા માટેના બાંધકામ પણ કર્યા છે.

સેટેલાઈટ તસવીરોથી સાબિત થઈ રહ્યુ છે કે, ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ હજી પણ યથાવત છે. ઉલ્લેખનીય છે કે, લદ્દાખ સરહદે દેમચોક વિસ્તારમાં પણ ફરી ચીને દ્યૂસણખોરી કરી હોવાના અને તંબુ ઉભો કરી દીધો હોવાના અહેવાલો છે. એ પછી ભારતીય સેનાએ તંબૂ હટાવવા માટે તાકીદ કરી છે.

(2:47 pm IST)