Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ ગુજરાતમાં પણ પગ પ્રસરાવશે !

અમદાવાદ, તા., ર૭: ગુજરાતમાં આગલા વર્ષે વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે. જેને લઇને ભાજપ અને કોંગ્રેસ સાથે સાથે અન્ય રાજનૈતીક દળો પણ મેદાનમાં કુદવાની તૈયારીમાં લાગ્યા છે. આમ આદમી પાર્ટીએ તો ચુંટણી અભિયાન પણ શરૂ કરી દીધું છે. અસુદદીન ઔવેસીની પાર્ટી ઓલ ઇન્ડીયા મુસ્લીમ ઇત્તેહાદુલ મુસ્લિમીન પણ તૈયારીમાં લાગી છે. મમતા બેનર્જીની અખીલ ભારતીય તૃણમુલ કોંગ્રેસ પણ હવે ગુજરાતમાં ચુંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવવાની તૈયારી કરી રહયું છે.

જો કે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી  ભાજપ અને કોંગ્રેસ એમ બે મુખ્ય પક્ષોનું જ પ્રભુત્વ રહયું છે. રાજયમાં ત્રીજા પક્ષને કોઇ જગ્યા મળતી નથી. પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને શંકરસિંહ વાઘેલા ત્રીજી શકિતના રૂપમાં ઉભરવાના નાકામ પ્રયાસો કરી ચુકયા છે.

તૃણમુલ કોંગ્રેસના ગુજરાત સંયોજક જીતેન્દ્ર ખડાયતાને બનાવાયા છે અને માનવ  રંજન દત્તાને ગુજરાતના નિરીક્ષક બનાવાયા છે. કેન્દ્રમાં ર૦ર૪ પહેલા ભાજપ સામે મમતા વિપક્ષોને એકતાંતણે બાંધવાની તૈયારીઓ કરી રહયા છે. આ જોતા તૃણમુલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળની બહાર ૭ રાજયોમાં પોતાનું પ્રભુત્વ બનાવાની કોશીષ કરશે તે ચોક્કસ છે. ગુજરાતની સાથે સાથે ત્રિપુરા, આસામ, દિલ્હી, ઉતરપ્રદેશ, પંજાબ અને ઝારખંડ તરફ પણ તેમની ગતિવિધિઓ પ્રસરી રહી છે. ખડાયતાના જણાવ્યા મુજબ કોલકતામાં ર૦૦૩માં પાર્ટીના યુવા કાર્યકર્તાઓના મૃત્યુને લઇ શહીદ દિવસ ઉપર મમતા બેનર્જીના ભાષણને ગુજરાતમાં પણ લાઇવ પ્રસારીત કરાયું હતું.

(12:50 pm IST)