Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મિશન ૨૦૨૪...'મોટા ભા' બનવા મમતાના દિલ્હીમાં ધામા

સંસદના ચોમાસુ સત્ર વચ્ચે મમતા બેનર્જી પાંચ દિવસનાં પ્રવાસે દિલ્હી પહોંચ્યાઃ રાજકીય ગરમાવો : આજે પીએમને મળશેઃ બુધવારે રાષ્ટ્રપતિ સાથે મુલાકાતઃ સોનિયા ગાંધી, કમલનાથ, આનંદ શર્મા, અભિષેક મનુ સિંઘવી સહિત કોંગી નેતાઓને મળશેઃ અન્ય વિપક્ષી નેતાઓને પણ મળશે

 

કોલકતા, તા.૨૭: બંગાળ વિધાનસભાની ચુંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા પછી મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના પ્રમુખ મમતા બેનર્જી ૨૦૨૪ની લોકસભા ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીવાળી ભાજપાની કેન્દ્ર સરકારને સત્તા પરથી ફેંકવા અને વિરોધી પક્ષોને એક જૂથ કરવાની મહેચ્છા સાથે સોમવારે સાંજે દિલ્હી પહોંચી ગયા હતા. બંગાળમાં જીતીને પાંચ મે એ સતત ત્રીજીવાર મુખ્યપ્રધાનની ખુરશી સંભાળ્યા પછી મમતાનો આ પહેલો દિલ્હી પ્રવાસ છે. પાંચ દિવસના આ પ્રવાસ દરમ્યાન મમતા વડાપ્રધાન મોદીથી માંડીને મુખ્ય વિપક્ષી નેતાઓને મળશે. તૃણમૂલ તરફથી એક ઓફીશ્યલ સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે મુખ્યપ્રધાન મંગળવારે સાંજે ચાર વાગ્યે વડાપ્રધાન મોદીને મળશે. વડાપ્રધાન સાથે મુલાકાત પછી મમતા પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે.

એ પહેલા મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ અને સીનીયર કોંગ્રેસ નેતા આનંદ શર્મા સાથે મમતાની બેઠક છે. વડાપ્રધાનને મળ્યા પછી સાંજે ૬:૩૦ વાગ્યાથી કોંગ્રેસ નેતા અને સીનીયર વકીલ અભિષેક મનુ સિંઘવી સાથે પણ બેઠક છે. મમતાના દિલ્હી પ્રવાસ પર સૌની નજર છે. ટીએમસી પ્રમુખ ૨૦૨૪ની લોકસભા ચુંટણી પહેલા રાષ્ટ્રીય સ્તરે મોટી ભૂમિકા ભજવવાની તૈયારીમાં છે.

દિલ્હી પહોંચતા મમતાની મુલાકાતોનો સિલસિલો ચાલુ થઇ ગયો છે. મમતાએ અહીં પહોંચીને સૌથી પહેલા જૈન હવાલા કેસનો ખુલાસો કરનાર સીનીયર પત્રકાર વિનીત નારાયણ સાથે મુલાકાત કરી હતી. એક મહિના પહેલા જ મમતાએ બંગાળના રાજયપાલ જગદીપ ધનખડ આ કેસમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો હતો.

૨૬ થી ૩૦ જુલાઇ સુધી દિલ્હીના પ્રવાસ દરમ્યાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપી અધ્યક્ષ શરદ પવાર સહિત વિપક્ષના બધા મુખ્ય નેતાઓને મળવાનો મમતાનો કાર્યક્રમ છે. મમતા સંસદ ભવન પણ જશે, જયાં ચોમાસુ સત્ર ચાલી રહયું છે. જાણકારી અનુસાર, ૨૮ જુલાઇએ સંસદભવન જવાનો તેમનો કાર્યક્રમ છે. ત્યાં તેઓ કેટલાય નેતાઓ સાથે મુલાકાત કરશે. મમતા ૩૦ જુલાઇએ કોલકાત્તા પાછા ફરશે.

તૃણમૂલ સુત્રો અનુસાર, મમતા ૨૮ જુલાઇએ દિલ્હી ખાતેના બંગ ભવનમાં બપોરે ત્રણ વાગ્યાથી વિપક્ષી દળોના નેતાઓ સાથે બેઠક પણ કરશે. આ બેઠકમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, કોંગ્રેસ નેતા પી ચીદમ્બરમ સહિત ટીઆરએસ, રાજદ, સપા, આપ, ડીએમકે અને નેતૃત્વવાળી ભાજપા સરકાર સામે રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન બનાવવાના પ્રયાસના રૂપમાં જોવાઇ રહી છે.

મમતાની સાથે દિલ્હી પહોંચેલા સીનીયર નેતા મુકુલ રોયે કહયું કે વિધાનસભા ચુંટણીમાં જે રીતે તેમણે ભાજપાને હરાવ્યો છે, ત્યાર પછી તેમના પર લોકોની નજર છે અને તેઓ ભાજપા વિરોધી શકિતના રૂપમાં આવ્યા છે.

(11:06 am IST)