Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ઋષિકેશ-કર્ણપ્રયાગ ૨૫ કિમી ટનલ પાંચ માસમાં તૈયાર કરવાનો રેકોર્ડ

મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં રોજ નવા આયામ સ્થાપિત થાય છે : ૧૨૫ કિલોમીટર લાંબી આ પરિયોજના પર ૧૦૫ કિલોમીટર રેલ લાઈન સુરંગોની અંદરથી થઈને પસાર થશે

ઋષિકેશ, તા.૨૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સામેલ ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટના કાર્યમાં દરરોજ નવા આયામ સ્થાપિત થઈ રહ્યા છે. આ વખતે કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટના કાર્યમાં રેલ વિકાસ નિગમની કાર્યકારી સંસ્થાઓએ વિભિન્ન ફેસમાં પાંચ માસની અંદર ૨૫ કિલોમીટર ટનલિંગનુ કામ પૂરુ કરી નવી સફળતા પ્રાપ્ત કરી લીધી છે. આ સાથે જ પરિયોજનામાં અત્યાર સુધી કુલ ૫૦ કિલોમીટર ટનલિંગનુ કામ પૂર્ણ કરી લેવાયુ છે. આ જાણકારી રેલ મંત્રાલયે શનિવારે મોડી રાતે પોતાના ટ્વીટર હેન્ડલ પર જાહેર કરી. રેલ મંત્રાલયના આ ટ્વીટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ટ્વીટને પસંદ કરી અને શેર પણ કરી છે. ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પરિયોજના ભારતીય રેલવેની સૌથી પડકારપૂર્ણ રેલ પરિયોજના છે. ૧૨૫ કિલોમીટર લાંબી આ પરિયોજના પર ૧૦૫ કિલોમીટર રેલ લાઈન સુરંગોની અંદરથી થઈને પસાર થશે. પરિયોજના પર કુલ ૧૭ સુરંગોનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. આ પરિયોજનામાં લાંબી સુરંગ સુધી પહોંચવા માટે સાત એડિટ ટનલ બનાવવામાં આવશે, જેની લંબાઈ લગભગ ચાર કિલોમીટર છે. છ કિલોમીટરથી વધારે લાંબી સુરંગના સમાંતર એટલી જ લંબાઈની એસ્કેપ ચેનલ પણ બનાવવામાં આવશે, જેની કુલ લંબાઈ ૯૮ કિલોમીટર છે.

મુખ્ય ટનલ અને એસ્કેપ ચેનલને જોડવા માટે ૩૭૫ મીટરના અંતરે ક્રોસ પેસેજ બનાવવામાં આવી રહ્યા છે. આ ક્રોસ પેસેજની કુલ લંબાઈ લગભગ પાંચ કિલોમીટર છે. વર્તમાનમાં આ તમામ પ્રકારની સુરંગના નિર્માણનુ કાર્ય જારી છે.

શનિવારે રાતે રેલ મંત્રાલયે એક ટ્વીટ જારી કરી જણાવ્યુ કે કર્ણપ્રયાગ રેલ પરિયોજના પર અત્યાર સુધી કુલ ૫૦ કિલોમીટર સુરંગનુ નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યુ છે. આ ૫૦ કિલોમીટર સુરંગનુ નિર્માણ માત્ર મુખ્ય સુરંગ નથી, પરંતુ આ સાથે જોડાયેલી એડિટ ટનલ, ક્રોસ ટનલ અને સમાંતર ટનલ પણ સામેલ છે.

મંત્રાલયના ટ્વીટમાં ખાસ વાત એ જણાવાઈ છે કે પરિયોજનાના નિર્માણમાં પાંચ માસમાં એટલી ઝડપ આવી છે કે આ સમયગાળામાં રેકોર્ડ કુલ ૨૫ કિલોમીટર ટનલનુ નિર્માણ પુરુ થઈ શક્યુ છે. ટનલિંગના કાર્યમાં આ ગતિ ખૂબ ઝડપી કહી શકાય છે.

(8:12 pm IST)