Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

કેસિનો, ઓનલાઇન-ગેમિંગ, ઘોડદોડ પર ૨૮% જીએસટી લગાડો

ગ્રુપ ઓફ મિનિસ્‍ટર્સે ભલામણ કરી

નવી દિલ્‍હી,તા.૨૭: જીએસટી કાઉન્‍સિલની હવે પછીની બેઠક આ અઠવાડિયે મળવાની છે અને એમાં ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને ઘોડાઓની રેસની જુગાર પ્રકારની રમત પર ૨૮ ટકા જીએસટી (ગૂડ્‍સ એન્‍ડ સર્વિસીસ ટેક્‍સ) લાગુ કરવાની રાજયોના નાણાં પ્રધાનોની એક સમિતિએ કરેલા પ્રસ્‍તાવ પર વિચારણા થાય એવી ધારણા છે. હાલ, ભારતમાં કેસિનોની સેવાઓ, ઘોડદોડની બેટ્‍સ (શરતો) અને ઓનલાઈન ગેમિંગ પર ૧૮ ટકા જીએસટી લેવાય છે.

મેઘાલયના મુખ્‍ય પ્રધાન કોનરાડ સંગ્‍માની આગેવાની હેઠળના ગ્રુપ ઓફ મિનિસ્‍ટર્સે ભલામણ કરી છે કે ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિઓ પર મહત્તમ જીએસટી વેરો લાગુ કરવો જોઈએ. એમાં કોન્‍ટેસ્‍ટ એન્‍ટ્રી ફી ઉપર પણ ૨૮ ટકા વેરો લગાડવો જોઈએ, જે પૈસા ખેલાડી ગેમમાં ભાગ લેવા માટે ચૂકવે છે. રેસ કોર્સના વિષયમાં, ગ્રુપ ઓફ મિનિસ્‍ટર્સનું સૂચન છે કે ટોટલિઝેટર્સ (હોર્સ રેસ વખતે ચોક્કસ ઘોડા પર શરત લગાડવા અને તેના હિસાબ માટે વપરાતા યંત્ર) પર લગાડવામાં આવતી કે સટ્ટાખોરો પાસે લગાવાતી બેટ્‍સ (શરત)ની પૂરેપૂરી રકમ પર ૨૮ ટકા જીએસટી લાગુ કરવો જોઈએ. કેસિનો વિશે, GoMનું સૂચન છે કે કોઈ ખેલાડી દ્વારા કેસિનોમાંથી ખરીદવામાં આવતી ચિપ્‍સ કે કોઈન્‍સની પૂરેપૂરી રકમ પર જીએસટી લગાડવો જોઈએ. તદુપરાંત, કેસિનોમાં લેવામાં આવતી એન્‍ટ્રી અને એક્‍સેસ ફી ઉપર પણ ૨૮ ટકા જીએસટી લાગુ કરવો જોઈએ, કારણ કે કેસિનોમાં પ્રવેશ કરનારાઓને ફરજિયાતપણે ત્‍યાંથી જ ખાદ્યપદાર્થો કે પીણાંઓ ખરીદવા પડે છે. 

(10:38 am IST)