Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર

બે મોટરમાં જંગી રકમ લાવવામાં આવેલી તેનું વિડિયો ફુટેજ

શિંદે જૂથના બળવા પાછળ કોનું નાણાકીય બળ છે તેની ચર્ચાઓ વચ્‍ચે શિવસેનાના ધારાસભ્‍ય ઉદયસિંહ રાજપૂતના દાવાથી ખળભળાટ

મુંબઇ,તા. ૨૭ : મહારાષ્‍ટ્રમાં ઉધ્‍ધવ ઠાકરે સરકારના પતન માટે પાણીની જેમ પૈસા વહાવાઇ રહ્યા છે અને એક નાથ શિંદે જૂથમાં સામેલ થવા માટે દરેક બળવાખોરને ૫૦ કરોડ રૂપિયાની ઓફર અપાઇ હોવાનો દાવો શિવસેનાના ઔરંગાબાદ નજીક કન્નડના ધારાસભ્‍ય ઉદયસિંહ રાજપૂતે કર્યો છે.

રાજપૂતે આ દાવાના સમર્થનમાં કહ્યુ હતુ કે બે મોટરમાં આ જંગી રકમ ભરીને લાવવામાં આવેલી તેનું વિડિયો ફુટેજ પણ છે. આ દાવો કરવાની સાથે સાથે એમએલએ ઉદયસિંહ રાજપૂતે જણાવ્‍યુ હતુ કે મને ૫૦ તો શું ૧૦૦ કરોડ આપવામાં આવે તો પણ હું શિવસેના સાથે ગદ્દારી નહીં કરૂં.

દરમિયાન મહારાષ્‍ટ્રના કોંગ્રેસના અધ્‍યક્ષ નાના પટોલેએ પણ બળવાખોર જૂથના ધારાસભ્‍યોને ૫૦ કરોડની ઓફર થયાના દાવાનું સમર્થન કર્યું છે. તેમના જણાવ્‍યા અનુસાર મહાવિકાસ આઘાડી સરકારના પતન માટે નાણાકીય તિજોરીઓ ખુલ્લી મુકી દેવામાં આવી છે.

આ બન્‍ને દાવાને પગલે ભારે ખળભળાટ વ્‍યાપી ગયો છે. શિંદે જૂથના બળવાને કોઇ ફાયનાન્‍સ કરી રહ્યું છે તે ચર્ચા રાજકીય વર્તુળોમાં અને સામાન્‍ય નાગરિકોમાં થઇ રહી છે. મહારાષ્‍ટ્રથી સુરત થઇ ચાર્ટ્‍ડ ફલાઇટસમાં પહોંચી રહેલા ધારાસભ્‍યોનો વિમાન મુસાફરીનો ખર્ચો જ કરોડોમાં થવા જાય છે. ગુવાહાટીની હોટલનું પોણા કરોડનું માત્ર આઠ દિવસનું રૂમ રેન્‍ટ અપાયું છે. આ ઉપરાંત રોજના ખાવા પીવા પાછળ આઠ લાખ રૂપિયાથી વધારેનો ખર્ચો થઇ રહ્યો છે.

(10:38 am IST)