Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

રાજસ્થાન રોયલ્સ ફાઈનલમાં પહોંચ્યું : બેંગ્લોરને હરાવ્યું બટલરે આક્રમક સદી ફટકારીને ટીમને જીત સુધી પહોંચાડી

રાજસ્થાન હવે ગુજરાત ટાઈટન્સ સામે ટાઈટલ માટે મહામુકાબલો

રાજસ્થાન રોયલ્સે ફાઈનલમાં સ્થાન મેળવી લીધુ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હાર આપીને હવે તે ગુજરાત ટાઈટન્સ સામે ટાઈટલ માટે જંગ ખેલશે. IPL 2022 ની ક્વોલિફાયર 2 મેચ વિશ્વના સૌથી મોટી ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. સંજુ સેમસને ટોસ જીતીને રન ચેઝ કરવાની યોજના વધુ સફળ રહેવાનો અંદાજ લગાવ્યો હતો. જેમાં તેનો નિર્ણય સફળ રહ્યો હતો. બેંગ્લોરે ટોસ હારીને બેટીંગ કરી હતી. રજત પાટીદારે ફરીએકવાર શાનદાર બેટીંગ કરીને અડધી સદી ફટકારી હતી. જવાબમાં જોસ બટલરે  શાનદાર રમત દર્શાવી હતી. તેણે આક્રમક અણનમ સદી ફટકારીને ટીમને જીત સુધી પહોંચાડ્યુ હતુ.

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL 2022)ની બીજી ક્વોલિફાયર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર વચ્ચે આજે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરિણામે બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 157 રન બનાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાને 11 બોલ બાકી રાખીને ટાર્ગેટ પાર પાડ્યો હતો. પરિણામે રાજસ્થાને ફાઈનલમાં રોયલ એન્ટ્રી મારી દીધી છે જેના પગલે હવે 29 મેના દિવસે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટાઈટલ મેચ રમાશે

158 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. જોસ બટલર અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે માત્ર 31 બોલમાં 61 રન જોડ્યા હતા. યશસ્વી 13 બોલમાં 21 રન બનાવીને જોસ હેઝલવુડના હાથે આઉટ થયો હતો. તે જ સમયે, બટલરે આ ભાગીદારીમાં માત્ર 18 બોલમાં 40 રન બનાવ્યા હતા.

(11:19 pm IST)