Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ટ્વીટરનું વેલ્યુશન ૫૦ ટકા ઘટીને માત્ર ૨૦ અબજ ડૉલર

ઈલોન મસ્કે ટ્વીટર ખરીદ્યા બાદ સતત ચર્ચા : ઈલોન મસ્ક દ્વારા કર્મચારીઓને ઈન્ટરનલ મેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં આ માહિતી બહાર આવી હોવાનો દાવો

વોશિંગ્ટન, તા.૨૭ : ઈલોન મસ્ક દ્વારા ટ્વિટરને ખરીદી લેવામાં આવી હતી. આ ડીલની ચર્ચા આખી દુનિયામાં થઈ હતી કેમ કે ૪૪ અબજ ડૉલરમાં આ ડીલ કરવામાં આવી હતી. જેના અનેકવાર રદ થયાના અહેવાલો આવ્યા હતા. છેવટે આ ડીલ થઈ ગઈ હતી. પરંતુ હવે ટ્વિટરની વર્તમાન વેલ્યૂએશનને લઈને ચોંકાવનારો અહેવાલ આવ્યો છે. માહિતી અનુસાર ઈલોન મસ્કની માલિકી હેઠળની ટ્વિટરની વેલ્યૂએશન ફક્ત ૫૦ ટકાથી પણ ઓછી એટલે કે ૨૦ અબજ ડૉલર આસપાસ જ રહી ગઈ છે.

માહિતી અનુસાર ઈલોન મસ્ક દ્વારા કર્મચારીઓને એક ઈન્ટરનલ મેલ મોકલવામાં આવ્યો હતો. જેમાં આ માહિતી બહાર આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ અહેવાલ એવા સમયે આવ્યા છે જ્યારે ઈલોન મસ્ક ટ્વિટરને નફો કરતી કંપની કરવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે.

એક અહેવાલ અનુસાર મસ્ક તરફથી ટ્વિટરની વર્તમાન વેલ્યૂએશન ૨૦ અબજ ડૉલર આંકવામાં આવી છે. જોકે આશરે ૫ મહિના અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અધિગ્રહણ માટે તેમના વતી ચૂકવાયેલી કિંમત ૪૪ અબજ ડૉલરના અડધાથી પણ ઓછી છે. ઉલ્લેનીય છે કે કર્મચારીઓને આ મેલ નવા સ્ટોર કમ્પનસેશન પ્રોગ્રામ માટે મોકલાયો હતો. કમ્પનસેશન પ્લાનમાં ટ્વિટરની વેલ્યૂ ૨૦ અબજ ડૉલર આંકવામાં આવી છે. જે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટની વેલ્યૂએશન ૧૮.૨ અબજ ડૉલર અને પિન્ટરેસ્ટની વેલ્યૂએશન ૧૮.૭ અબજ ડૉલરની ખૂબ જ નજીક છે.

મસ્કે ઈન્ટરનલ મેલમાં ટ્વિટરની વેલ્યૂમાં ઘટાડાનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે કંપની કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. કંપની સામે અનેક નાણાકીય સમસ્યાઓ છે. એક સમય તો એવો આવ્યો હતો કે કંપની દેવાળીયું થવાની હતી. તેની સાથે તેમણે કહ્યું કે એક વર્ષમાં ૧.૫ અબજ ડૉલરની આવકમાં ઘટાડો થયો છે અને કંપની દેવા હેઠળ આવી રહી છે. કંપનીએ તાજેતરમાં કર્મચારીઓની સંખ્યા ૭૫૦૦થી ઘટાડી ૨૦૦૦ કરી દીધી છે.

 

(7:49 pm IST)