Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

હાય રે મોંઘવારી...

સામાન્ય માણસનું જીવન બન્યું કઠીન ખાદ્યતેલ, દાળ, બેસન, ડુંગળી બન્યા મોંઘાદાટ

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઇ રહેલા સતત વધારા પછી મોંઘી થઇ રહેલી રસોઇની ચીજોએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. આ મહીને ડુંગળી, દાળ, ખાદ્યતેલ સહિત મસાલાના ભાવોમાં પણ વધારો જોવા મળ્યો છે. ડુંગળીની કિંમતો જાન્યુઆરીની સરખામણીમાં ૨૫ થી ૩૦ ટકા વધારે છે. તો મસૂર અને અડદની દાળ જાન્યુઆરીની સરખામણીમાં ૧૦ ટકા વધી છે. જથ્થાબંધ ખાદ્યતેલની કિંમતો આ વર્ષે વિભીન્ન તેલો માટે ૩૦ થી ૬૦ ટકા સુધી વધી ગઇ છે. ડુંગળીની કિંમત એક મહિનાથી સતત વધી રહી છે અને અત્યારે રીટેલ માર્કેટમાં ૬૦ રૂપિયો કીલોએ પહોંચી ગઇ છે. તો બીજી તરફ મસાલાના ભાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ધાણામાં જાન્યુઆરીની સરખામણીમાં ૨૫ ટકાનો ભાવ વધારો જોવા મળી રહયો છે. આ વરસે સરસવનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે થવાનું અનુમાન છે પણ તેમ છતાં સરસવમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૬૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.

પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની સીધી અસર મોંઘવારી પર પડે છે. ડીઝલ મોંઘુ થવાથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં વધારો થયો છે અને આનો હવાલો દઇને ટ્રાન્સપોર્ટરો ભાડા વધારાની તૈયારી કરવા લાગ્યા છે. તેમના કહેવા અનુસાર ૧૫ ટકા સુધીનો ભાડા વધારો જરૂરી છે. આમ થશે એટલે મોંઘવારી હજુ પણ વધશે.

(2:37 pm IST)